વંથલી તાલુકાના થાણાપીપળી ગામે ખેડૂતોની મંજૂરી વિના તેમના ખેતરમાં વિજપોલ ઉભા કરવાનો પ્રયાસ થતા ખેડૂતોએ ભારે વિરોધ કર્યો હતો. વિરોધ બાદ કામ અટક્યું છે પરંતુ ફરી વિજપોલ ઉભા કરવામાં આવશે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારાઇ છે. આ અંગે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ કિશોરભાઇ પટોળીયાએ જણાવ્યું હતું કે,જેટકો કંપની દ્વારા થાણાપીપળીમાં ખેડૂતોની જમીનમાં મસમોટા વિજપોલ ઉભા કરી અને તાર જોડવાની કામગીરી કરવાનો પ્રયાસ કરાયો હતો.
થાણાપીપળીથી ભાટીયા જતી 66 કેવી લાઇનને નવાગામ તરફીથી આવતી લાઇન સાથે જોડવા માટે આ વિજપોલ ઉભા કરવાની અને તાર ખેંચવાની કામગીરી કરવામાં આવનાર હતી. જોકે, ખેડૂતોની મંજૂરી વિના મનસ્વી રીતે આ કામગીરી કરવાનો પ્રયાસ કરાતા ખેડૂતોએ સવારના 9 થી બપોરના 2 વાગ્યા સુધી ભારે વિરોધ કર્યો હતો. બાદમાં આ કામગીરી અટકી ગઇ હતી. જોકે, હજુ પણ ભવિષ્યમાં જો જેટકો તાનાશાહી વાપરી, પોલીસ પ્રોટેકશન લઇ ખેડૂતો સાથે દમન વર્તાવી કોઇ કામગીરી કરશે તો કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ખેડૂતોને સાથે રાખી આંદોલન કરશે.
દબાણ માટે જેટકોના અનેક પ્રયાસો
ખેડૂતો પર દબાણ લાવવા માટે જેટકોના અધિકારીઓ વિવિધ પ્રયાસો કરી રહ્યા છે. મોટી સંખ્યામાં પોલીસના ધાડા ઉતારી રોફ જમાવાય છે. જો કામ અટકાવશો તો ગુનો દાખલ કરીશું અને વધારે પોલીસ લાવીને પણ કામ તો કરીશું જ તેવી ધમકી અપાય છે. જેટકો કંપનીના અધિકારી ઓળખીતા અધિકારી પાસે ફોન કરાવી સામાજીક દબાણ લાવવાનો પણ પ્રયાસ કરે છે.
કોન્ટ્રાકટરોના ફાયદા માટે કરોડોનું નુકસાન કરતું જેટકો
આ વિજલાઇન સરકારી ખરાબાની જમીનમાંથી પણ નિકળી શકે તેમ છે. તેના માટે 2 -2 વખત સર્વે પણ થઇ ગયા છે. પરંતુ ત્યાંથી લાઇન કાઢે અને થાંભલા ઉભા કરેતો કોન્ટ્રાકટરોને નુકસાન થાય તેમ છે. ત્યારે કોન્ટ્રાકટરોનું નુકસાન થતું બચાવવા માટે જેટકો કરોડોનું નુકસાન સહન કરી રહી છે અને લાઇન ખેડૂતોના ખેતરમાંથી કાઢવા પ્રયાસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.