સિંહની સુરક્ષા સામે સવાલ:જૂનાગઢના સક્કરબાગ ઝૂના પ્રતિબંધિત વિસ્તારમાં ખાનગી કાર ફરતી હોવાનો વીડિયો વાઇરલ, ગેરકાયદે લાયન શોની આશંકા

જૂનાગઢ2 મહિનો પહેલા
  • વીડિયો વાઇરલ થતાં સિંહપ્રેમીઓમાં રોષ, જવાબદારો સામે કાર્યવાહીની માગ

ગીરના જંગલ અને આસપાસમાં વસતા સિંહોની સુરક્ષાને લઈ સવાલો ઊભી કરતી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે, પરંતુ હવે તો સક્કરબાગ ઝૂમાં બંધ સિંહની સુરક્ષા સામે પણ સવાલો ઊઠ્યા હોય એ પ્રકારનો એક વીડિયો વાઈરલ થયો છે. સક્કરબાગ ઝૂમાં સિંહનો ક્વોરન્ટીન વિભાગ છે, જ્યાં પ્રવાસીઓને જવા પર પ્રતિબંધ છે, તેમાં છતાં આ વિસ્તારમાં બે કાર ફરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જૂનાગઢમાં આવેલું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય.
જૂનાગઢમાં આવેલું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય.

જવાબદારો સામે પગલાં લેવાની માગ કરવામાં આવી
ગુજરાતની શાન એવા એશિયાટિંક સિંહોની સુરક્ષા સામે સતત સવાલો ઊભા કરતી ઘટનાઓ છાશવારે ગીર જંગલ અને આસપાસના વિસ્‍તારોમાંથી સામે આવી રહી છે. જંગલ, રેવન્યુ તો ઠીક, પરંતુ હવે ઝૂમાં પણ સિંહો સલામત ન હોવાનો કથિત કિસ્‍સો સામે આવ્‍યો છે, જેમાં જૂનાગઢના સકકરબાગ ઝૂનો સોશિયલ મીડિયામાં કથિત વીડિયો વાઈરલ થયો છે. સકકરબાગ ઝૂમાં આવેલા સિંહોના કવોરન્ટીન વિભાગમાં, જ્યાં પ્રવાસીઓને જવા પર પ્રતિબંધ છે ત્યાં બે ખાનગી કારમાં અમુક લોકો ગેરકાયદેસર રીતે સિંહદર્શન કરતા હોવાનું જણાય છે. આ વાઇરલ વીડિયોને લઇ વિવાદ ઊભો થતાં સિંહપ્રેમીઓએ આ કૃત્‍ય મામલે જવાબદારો સામે તટસ્‍થ તપાસ કરી પગલાં લેવાની માગણી કરી છે, જ્યારે આ મામલે વન વિભાગે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે.

પ્રતિબંધિત વિસ્તારામાં ફરી રહેલી કારની તસવીર
પ્રતિબંધિત વિસ્તારામાં ફરી રહેલી કારની તસવીર

ગેરકાયદે લાયન શોની આશંકા
ગુજરાતની અસ્મિતા એવા એશિયાટિક સિંહો પર દિનપ્રતિદિન જોખમ વધી રહ્યું છે. એવા સમયે જૂનાગઢના સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પણ ગેરકાયદે લાઈન શો થતા હોવાનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સકકરબાગ ઝૂમાં પ્રવાસીઓ માટે પ્રતિબંધિત વિસ્‍તાર એવા સિંહોના ક્વોરન્ટીન વિભાગમાં રહેલા સિંહ અને સિંહ બાળોને નિહાળવાના રસ્તાઓ પર બે ખાનગી કાર જતી હોવાનો વીડિયો સામે આવ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં સકકરબાગ ઝૂમાં બે-એક ખાનગી વાહનો ફરતાં હોવાની સાથે-સાથે સિંહદર્શન કરતા છથી સાત લોકો પણ જોવા મળી રહ્યા છે. ત્‍યારે સિંહોની રખેવાળી કરવાની જવાબદારી સંભાળતા વન વિભાગની નીતિરીતિ સામે અનેક સવાલો ઊઠયા છે.

પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવાસીઓ સિંહની તસવીર લેતા દેખાયા.
પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવાસીઓ સિંહની તસવીર લેતા દેખાયા.

પ્રતિબંધિત વિસ્તારમાં કાર કોની મંજૂરીથી આવી?
આ મામલે સિંહપ્રેમીઓના જણાવ્‍યા, મુજબ જૂનાગઢના સકકરબાગ ઝૂમાં નાના-મોટા એકસો જેટલા સિંહો છે તેમજ અન્ય પશુ-પક્ષીઓ પણ મોટી સંખ્‍યામાં છે. આ ઉપરાંત ઝૂમાં એશિયાનું સૌથી મોટું સિંહોનું બ્રીડિંગ સેન્ટર પણ કાર્યરત છે. તેમ છતાં ઝૂ પ્રવેશ કરાવી પોતાના લાગતાવળગતાઓને ગેરકાયદે સિંહદર્શન કોણે કરાવ્‍યાં ? એ એેક મોટો સવાલ ઊભો થયો છે. સકકરબાગ ઝૂમાં સામાન્ય માણસને કેમેરા સાથે પ્રવેશ કરવો હોય તો એની અલગ ટિકિટ લેવાની હોય છે. એવા સમયે બે ખાનગી વાહનોને કંઇ રીતે અંદર પ્રતિબંઘિત વિસ્‍તાર સુધી પહોંચી ગઇ ? એ તપાસનો વિષય છે. ઉપરાંત જે રીતે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયો સામે આવ્યો છે એ સિંહનો ક્વોરન્ટીન વિભાગ છે. ત્યાં પ્રવાસીઓને જવાની મંજૂરી હોતી નથી. ત્યારે ત્‍યાં સુધી ખાનગી વાહનોને લઈ જવાની મંજૂરી કોણે આપી હશે ? સક્કરબાગ ઝૂમાં ખાનગી વાહનોને પ્રવેશ અપાતો નથી ત્યારે અંદર જોવા મળેલી બન્‍ને ખાનગી કારો કોની છે ? અને કોની મંજૂરીથી એને સક્કરબાગ ઝૂમાં પ્રવેશ આપવામાં આવ્યો એ અંગે તપાસ કરવી જોઇએ.

સક્કરબાગ ઝૂમાં રહેલા સિંહની તસવીર.
સક્કરબાગ ઝૂમાં રહેલા સિંહની તસવીર.

એશિયાટિક સિંહોની માઠી દશા બેઠી હોય એમ સિંહોને હેરાનગતિ થાય એવી ગેરકાયદે પ્રવૃત્તિના એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં તાજેતરની સામે આવેલી ઘટના જોઇએ તો સાસણ ગીર જંગલમાં જીપ્સી રૂટ પર સિંહોને પ્રવાસીઓએ કરેલા ઘેરાવોનાં દૃશ્‍યો, સાવરકુંડલા નજીક વાહન અકસ્માતમાં સિંહના મોતની ઘટના, મેંદરડા પંથકમાં ફાર્મ હાઉસમાં ગેરાયદે લાયન શોની ઘટના હજી તાજી જ છે. ત્‍યાં જૂનાગઢના સકકરબાગ ઝૂના પ્રતિબંધિત વિસ્‍તારમાં ગેરકાયદે રીતે ખાનગી કાર લઇ સિંહદર્શન કરતા લોકોનો સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલો વીડિયો સામે આવતાં વન વિભાગ ખરા અર્થમાં ક્યારે સિંહોની સલામત સુરક્ષા કરશે એવું લોકોમાં ચર્ચાય રહ્યું છે.આ મામલે સકકરબાગ ઝૂના આરએફઓ નીરવ મકવાણાએ એક વાતચીતમાં જણાવ્યું હુતં કે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલો વીડિયો અમારા સુઘી પહોંચતાં અમે તપાસ હાથ ધરી છે, જે પૂર્ણ થયા બાદ હકકીત જાહેર કરીશું.

અન્ય સમાચારો પણ છે...