આક્રોશ:વેટરનરી તબીબો પરના હુમલાખોરોને સગીર દર્શાવી દેતાં તબીબોમાં રોષ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ 18 થી 20 ફરારને પકડી કાર્યવાહી ન કરે તો ભણતરનો બહિષ્કાર કરી આંદોલન કરવા ચિમકી

જૂનાગઢમાં દાતાર સર્કલ પાસે શનિવારની રાત્રે અસામાજીકોની ટોળકીએ કૃષિ યુનિ. કેમ્પસમાં રહેતા વેટરનરી ઇન્ટર્ન તબીબો પર કરેલા હિચકારા હુમલા બાદ પોલીસની ઢિલી નિતી સામે વેટરનરી તબીબોમાં ભારે રોષની લાગણી છવાઇ ગઇ છે.

જૂનાગઢ કૃષિ યુનિ. કેમ્પસમાં આવેલા કામધેનુ યુનિ. હસ્તકની વેટરનરી કોલેજનાં ઇન્ટર્ન તબીબો પર ગત શનિવારની રાત્રે દાતાર સર્કલ પાસે પાછળથી કાર ભટકાવી અસામાજીક તત્વોએ હુમલો કર્યો હતો. આ ગુનામાં પોલીસે એફઆઇઆર નોંધ્યા બાદ આરોપી તરીકે સગીરોના નામ ઉમેરવા સામે વેટરનરીના ઇન્ટર્ન તબીબોમાં ભારે રોષ છવાઇ ગયો છે. અને તેઓએ આજે યુનિ. કેમ્પસમાં એકઠા થઇ સુત્રોચ્ચાર કરવા સાથે એસપીને આવેદન આપ્યું છે.

જેમાં એવી માંગણી કરાઇ છે કે, 18 થી 20 ગુનેગારોએ એકસાથે ફિલ્મી ઢબે હુમલો કર્યો હતો. છત્તાં ફરિયાદમાં માત્ર એક મુખ્ય આરોપી અને બીજા ત્રણ સગીર જાણી જોઇને દર્શાવાયા છે. જેથી બીજા બે સગીરોને પણ કાયદા મુજબ હળવી સજા થાય. આ સિવાય બીજા આરોપીઓનો ફરિયાદમાં કોઇ જગ્યાએ ઉલ્લેખ નથી કરાયો.

આથી તેઓ હજુ પણ નાસતા ફરે છે. અને વિદ્યાર્થીઓ હજુ પણ ભયના ઓથાર હેઠળ છે. આ ટોળકીના લોકો ક્રિમીનલ રેકોર્ડ ધરાવતા હોઇ તેઓને છોડી મૂકવાને બદલે તેમના નામોનો એફઆઇઆરમાં ઉમેરો કરીને તમામની અટક કરી પકડવામાં આવે. આ માટે સીસી ટિવી કેમેરાના આધારે તમામને 3 દિવસમાં પકડી કાયદેસરની કાર્યવાહી ન કરાય તો તમામ વેટરનરી તબીબો અભ્યાસનો સામુહિક બહિષ્કાર કરીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે એવી ચીમકી પણ આપી છે.

અન્ય સમાચારો પણ છે...