• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Veraval Chopati Held Street Sports Festival For Children, About 4 Thousand Children And Parents Enthusiastically Played Street Sports.

રમતો પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ:વેરાવળ ચોપાટીએ બાળકો માટે શેરી રમતોત્‍સવ યોજાયો, 4 હજાર જેટલા બાળકો-વાલીગણ ઉત્‍સાહભેર શેરી રમતો રમ્‍યા

વેરાવળ17 દિવસ પહેલા
કોથળા રેસ રમી રહેલ બાળકો
  • રસાખેંચ, લખોટી, ગિલ્લી ડંડા, અક્કલ ભુલ્યો, કોથળા રેસ, લીંબુ-ચમચી, સ્‍લો સાયકલીંગ જેવી રમતો રમાડાઈ
  • રોટરી ક્લબ વેરાવળ અને વેરાવળ પાટણ નગરપાલિકાએ સંયુક્ત રીતે આયોજન કર્યુ
  • બાળકો પરંપરાગત શેરી રમતોથી અવગત થવાની સાથે રમતા થાય તે હેતુસર આયોજન કરાયું

નારગોલ, રસ્સીખેંચ, ગિલ્લી ડંડા જેવી શેરી રમતો પુન: ધમધમતી થાય અને તેને બાળકોમાં સ્‍થાન મળે તે હેતુસર રોટરી ક્લબ અને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ચોપાટી ખાતે શેરી રમોત્‍સવનું આયોજન કરાયુ હતુ. જેમાં મોટીસંખ્‍યામાં બાળકોએ ભાગ લઇ જુદી જુદી શેરી રમતો રમ્યા હતા. જ્યારે તેમની સાથે આવેલા વાલીગણોએ પણ શેરી રમતોનો આનંદ લઇ પોતાના બાળપણના રમતના દિવસો તાજા કર્યા હતા. આ રમતોત્‍સવમાં શેરી રમત રમવા એકત્ર થયેલ બાળકો પરથી આયોજન સફળ રહ્યુ હતું.

પાલીકા પ્રમુખ-ચેરમેન સહિતના હોદેદારો પણ શેરી રમતો રમ્‍યા હતા
પાલીકા પ્રમુખ-ચેરમેન સહિતના હોદેદારો પણ શેરી રમતો રમ્‍યા હતા

વર્તમાન સમયમાં બાળકો ભણતરના ભાર સાથે મોબાઇલના રવાડે ચડી રહ્યા હોવાથી શેરી રમતોથી વિમુખ થઇ રહ્યા છે. જેના કારણે ક્યાંક ને કયાંક બાળકોના શારીરીક વિકાસમાં પણ તેની આડકતરી અસરો જોવા મળે છે. જેમ કે નાની ઉંમરમાં જ ચશ્‍મા આવી જવા, ચિડીયાપણું જોવા મળે છે. એવા સમયે તાજેતરમાં રોટરી ક્લબ વેરાવળ તથા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકા દ્વારા સંયુક્ત રીતે ચોપાટી ખાતે શેરી રમોત્‍સવનું આયોજન કરાયું હતુ. જેમાં ડાન્સ, કુંડાળા, નારગોલ, રસાખેંચ, લખોટી, ગલી ડંડા, નમસ્તે મહારાજ, અક્કલ ભુલ્યો, કોથડા રેસ, લીંબુ ચમચી, વલય દંડ, ટાયર રેસ , સ્લો સાઈકલિંગ, પાંચિકા જેવી અનેક શેરી રમતો રમાડવામાં આવી હતી.

રસ્‍સા ખેંચ રમત રમી રહેલ બાળકો
રસ્‍સા ખેંચ રમત રમી રહેલ બાળકો

શહેરમાં દરીયાકિનારે ચોપાટીના ગ્રાઉન્‍ડમાં યોજાયેલ રમોત્‍સવમાં નાના બાળકોથી લઇ તેમના વાલીગણ મળી અંદાજે ચારેક હજાર લોકો શેરી રમતો રમવા ઉત્‍સાહભેર આવ્‍યા હતા. ચારેક કલાક સુઘી ડીજેના તાલે બાળકોએ શેરી રમતો રમવાનો આનંદ લીધો હતો. આ રમોત્‍સવના પ્રોજેક્ટનું આયોજન રોટરી પ્રમુખ અનિલકુમાર સિંઘ, પાલિકા પ્રમુખ પિયુષ ફોફંડી, સેક્રેટરી ગિરીશ ઠક્કર, ચેરમેન બાદલ હુંબલની સંયુક્ત ટીમ અને પાલીકાના ઉપપ્રમુખ કપીલ મહેતા, ટોપ એફ.એમ.ના આરજે જયરાજ સહિતના મિત્રોએ બાળકો સાથે જુદી જુદી રમતો રમી અને રમાડી હતી.

શેરી રમતો રમવા એકત્ર થયેલ બાળકો
શેરી રમતો રમવા એકત્ર થયેલ બાળકો

આ રમોત્‍સવ અંગે રોટેરીયન નગરપતિ પીયુષ ફોફંડી અને રોટરી ક્લબના ગિરીશ ઠક્કરે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વર્ચ્‍યુઅલ શિક્ષણ સહિત અનેક કારણોસર બાળકોમાં મોબાઇલનો ક્રેઝ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. જેની આડઅસરો બાળકોના જીવનમાં પણ જોવા મળે છે. આના કારણે બાળકો આપણી પરંપરાગત રમતોથી વિમુખ થવાની સાથે ભુલી રહ્યાનો માહોલ સર્વત્ર જોવા મળી રહેલ છે. ત્‍યારે આપણી પરંપરાગત શેરી રમતોથી નવી પેઢીના બાળકો અવગત કરાવવાની સાથે શેરી રમતો રમતા થાય તે હેતુસર રમોત્‍સવનું આયોજન કરાયું હતુ. વર્તમાન સમયમાં ફીટ રહેવા માટે પણ ક્યાંક ને ક્યાંક પરંપરાગત રમતો જરૂરી હોવાથી તેને ફરી પુન: જીવિત કરી મેદાન-શેરીઓમાં ફરી બાળકો શેરી રમતો રમતા થાય તે માટે આ માધ્યમથી એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આ રમોત્‍સવમાં શેરી રમતો રમેલા બાળકો યશવી ઝણકાત અને મીત પરડવાએ જણાવ્યું હતું કે, અમને અહીં રમતો રમવાની ખુબ મજા આવી છે. અહીં રમાડવામાં આવી હતી. અનેક રમતો અમારા માટે નવી હોવા છતાં તે રમવાની મજા આવી છે. કેમ કે અમે મોટાભાગે શેરી રમતો રમવાનું ભુલી ગયા છીએ, અમને મોટાભાગની શેરી રમતોની જાણકારી ન હતી. પરંતુ આ રમોત્‍સવના આયોજન થકી નવી રમતો જાણવા મળી છે. સાથો-સાથ શેરી રમતો રમવાની મજા પણ અલગ હોવાનો અનુભવ થયો છે. ત્‍યારે હું અન્‍ય બાળકોને એટલુ જ કહીંશ કે મોબાઇલમાં ટાઇમ પસાર કરવા કરતા શેરી રમતો રમવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...