નાગરિકોને હાલાકી:વેરાવળ-કોડીનાર હાઈવેના હિરણ નદીના જુનવાણી પુલ ઉપર વરસાદના લીધે મસમોટા ગાબડા પડતા વાહનો પસાર કરવામાં ચાલકોને મુશ્કેલી છતાં તંત્ર બેઘ્યાન

જુનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેરાવળ-કોડીનાર હાઈવેમાં કાજલી માર્કેટ યાર્ડ પાસે હિરણ નદીના જુનવાણી પુલ ઉપર સામાન્ય વરસાદથી મોટા ગાબડા પડી ગયા હોવાથી વાહનો પસાર કરવામાં ચાલકોને ખુબ મુશ્કેલી પડી રહી છે. તો હાલ પડેલ વરસાદના કારણે આ પુલ ઉપર પડી ગયેલા મોટા ખાડાઓમાં પાણી ભરાઈ ગયા હોવાથી વાહનો ચલાવવામાં અતિ મુશ્કેલ બન્યુ છે. જેના કારણે પુલ ઉપરથી સેકન્ડોમાં પસાર થવાતુ તેની જગ્યાએ દસેક મિનીટ જેટલો સમય લાગી રહ્યો છે. તો ક્યારેક કોઈ વાહનો ફસાઈ જાય તો ખાસો સમય વાહન વ્યવહાર અટકી પણ જાય છે.

ટ્રાફીકની દ્રષ્ટીએ મહત્વ છતાં ધ્યાન ન આપતું તંત્ર

આ હિરણ નદી ઉપરનો જુનવાણી પુલ ટ્રાફીકની દ્રષ્ટીએ ખુબ જ મહત્વનો છે. કારણ કે વેરાવળથી કોડીનાર- ઉનાને જોડતા એક માત્ર હાઈવે રસ્તા પરનો પુલ છે. આ જુનવાણી પુલ કોઈ કારણોસર બંધ થાય તો કોડીનારને વાહન વ્યવહાર કપાઈ જાય અને આ પુલનો અન્ય કોઈ વિકલ્પ પણ નથી. તેમ છતા આવા મહત્વના પુલ પ્રત્યે તંત્ર ધ્યાન આપતુ નથીમ આ પુલ ઉપરથી દિવસભર કાયમી સતત નાના-મોટા વાહનોની અવર-જવર રહે છે. તો જિલ્લામાં કાર્યરત કંપનીઓના હેવીવેઇટ મોટા વાહનો-ટ્રકોની અવર જવરથી પુલને નુકસાન થતુ હોવાથી રીપેરીંગ અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની જરૂર છે.

નિયમોનુસાર પેચવર્કની કામગીરી કરવા માંગણી

આ પુલનો માર્ગ બિસ્માર હોવાથી ઇમરજન્સી સમયમાં 108 ની એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં મુશ્કેલી પડતી હોવાથી દર્દીઓ પણ ઘણીવાર મુશ્કેલીમાં મુકાય છે. દર વર્ષે ચોમાસામાં આ પુલનો માર્ગ બિસ્માર બને એટલે ઉપર ઉપરથી પેચવર્કની કામગીરી કરાય છે જે લાંબી ટકતી નથી. જેથી પુલમાં પડેલા ખાડાઓનું લેવલ કરીને વરસાદી પાણી ન ભરાય તે રીતે ડામરનું પેવરથી પેચવર્ક કરવા વાહન ચાલકો માંગણી કરી રહ્યા છે.

જવાબદારોની દુર્લક્ષતાથી ચાલકો પરેશાન

અત્રે નોંધનીય છે કે, આ હાઈવે ઉપરના ટ્રાફીકની દ્રષ્ટીએ મહત્વના પુલ ઉપરથી દરરોજ રાજકીય નેતાઓ, જીલ્લાના અધિકારી પસાર થતા હોવા છતાં બિસ્માર રસ્તાની સ્થિતિ સુધારવા દરકાર લઈ રહ્યા નથી. જે નિભંર તંત્રની બેજવાબદારી સાબિતી સમાન છે. ત્યારે પુલના રસ્તાની મરામમતનો સમય ક્યારે આવશે તેવો સવાલ લોકો કરી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...