લમ્પીનો કહેર:જૂનાગઢમાં વાઈરસને ડામવા માટે રસીકરણને તેજ બનાવાયું, ગીરના નેસ વિસ્તારમાં 400 પશુઓને રસી અપાઈ

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ-ચાર દિવસમાં વન વિસ્તારના પશુઓનું રસીકરણ પૂર્ણ કરી દેવાશે

જૂનાગઢ જિલ્લામાં લમ્પી વાઈરસને અટકાવવા માટે જિલ્લાના પશુપાલન વિભાગ રસીકરણ અભિયાન તેજ બનાવ્યું છે. આ સાથે જિલ્લાના ગીર નેસ વિસ્તારમાં વન વિભાગના પશુ તબીબોની ટીમ દ્વારા 400થી વધુ પશુઓનું રસીકરણ કરી દેવામાં છે. તેમજ આગામી ત્રણ -ચાર દિવસમાં જિલ્લાના વન વિસ્તારના પશુઓમાં રસીકરણની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરાયું
આ સંદર્ભે જાણકારી આપતા નાયબ પશુપાલન નિયામક ડૉ. દિલીપ પાનેરાએ જણાવ્યું કે, જિલ્લામાં લંપી વાયરસને અટકાવવા માટે તમામ અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. સાથે જ લમ્પી વાઈરસને ડામવામાં રસીકરણ ખૂબ અસરકારક છે, ત્યારે રસીકરણને વધુ સઘન બનાવવામાં આવ્યું છે.

ગીર નેશ વિસ્તારમાં ત્રણ-ચાર દિવસમાં રસીકરણ પૂર્ણ કરાશે
ગીરના જંગલ વિસ્તારમાં વસતા માલધારીઓના પશુઓનું વન વિભાગના પશુ ચિકિત્સકોની ટીમ જિલ્લાના પશુપાલન વિભાગના સંકલન અને માર્ગદર્શન હેઠળ રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. ગીર નેસ વિસ્તારના પશુઓમાં આગામી ત્રણ-ચાર દિવસમાં રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. વન વિભાગના વેટરનરી ડો. કમાણી, ડો. દેસાઈ સહિતના રસીકરણની કામગીરી માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

હાલમાં સમગ્ર જિલ્લામાં લમ્પી વાઈરસ અટકાવવા માટે રાજ્યના પશુપાલન ખાતા તથા જિલ્લા કલેક્ટર રચિત રાજના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખની દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત ઉચ્ચે સ્તરે સતત મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે ડો. દિલીપ પનારાએ પશુપાલકો-ખેડૂતોને પોતાના પશુઓમાં લમ્પી વાયરસના ચિન્હો જોવા મળે તો ત્વરિત શંકાસ્પદ પશુને અન્ય પશુઓથી અલગ કરવું અને સ્થાનિક પશુ ચિકિત્સકનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...