પદવીદાન સમારોહ:માતાના દૂધ સુધી યુરિયા, જંતુનાશક પહોંચ્યા એ ચિંતાની વાત

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ સોમવારે યોજાયો હતો. 18મા પદવીદાન નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. વાંચો રાજ્યપાલની વાત એમના જ શબ્દોમાં... - Divya Bhaskar
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ સોમવારે યોજાયો હતો. 18મા પદવીદાન નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. વાંચો રાજ્યપાલની વાત એમના જ શબ્દોમાં...
  • જૂનાગઢ કૃષિ યુનિ.ના 18મા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંબોધન

માત્ર લોકોનું પેટ ભરવું એ જવાબદારી નથી. લોકોને ગુણવત્તાસભર અને પૌષ્ટિક આહાર મળે એ આપણી જવાબદારી છે. 50 વર્ષ પહેલાં કેન્સર અને ડાયાબિટીઝ સહિતની અનેક ખતરનાક બીમારીઓનું લોકોએ નામ સાંભળ્યું ન હતું પણ રાસાયણિક ખાતર, ડીએપી, યુરિયા અને જંતુનાશક દવાના બેફામ ઉપયોગના કારણે આજે ભારતની ભૂમિનો કુદરતી કાર્બન માત્ર 0.03 થી 0.04 કે વધીને 0.05 સુધી જ રહ્યો છે. જે માત્ર 1960 પહેલાં 2 થી 2.5 ટકા સુધીનો હતો. આ સ્થિતિ આપણા માટે જ નહીં વિશ્વ માટે પણ ચિંતાનો વિષય છે.

1960ની સાલમાં જ્યારે રાસાયણિક ખાતર અને અન્ય ઉપયોગ શરૂ થયો ત્યારે આપણી સ્થિતિ જુદી હતી. એ સમયે આપણી પાસે જંગલો વધુ હતાં. ખેતીની જમીન ઓછી હતી, ટ્રેકટરો ન હતા, સિંચાઇનાં સાધનો ન હતાં. અત્યારે સાયન્સ અને ટેક્નોલોજી ખૂબ આગળ વધ્યાં છે. હરિત ક્રાંતિની શરૂઆત વખતે આપણી ભૂમિમાં કુદરતી કાર્બનની માત્રા 2 થી 5 ટકા હતી. જે ક્રમશ: ઘટતી રહી. આ રીતે આગળ વધીશું તો યુનેસ્કોના રિપોર્ટ મુજબ 50 વર્ષ પછી આપણી ધરતીમાં જે માટી છે તે ઘરની ફર્શ જેવી કડક થઇ જશે અને તેમાં ઘાસનું તણખલું પણ નહીં ઊગે.

જો તમે કોઈ આ પ્રકારની ખેતીમાં ફાયદો હોવાનું અથવા જંતુનાશક દવા યુરિયાથી કુદરતી કાર્બન વધતો હોવાનું સાબિત કરી આપશો તો હું ખેતી છોડી દઈશ. આપણે 40 વર્ષથી આવી ખેતી કરીએ છીએ. પણ આજ સુધી તેમાં એટલી સફળતા પણ નથી મળી કે એક મોડલ બતાવી શકાય.

આ પ્રકારની ખેતીમાં કોઈ શક્યતાઓ જ નથી. આધાર માત્ર પ્રાકૃતિક ખેતી છે. તેમાં તમે લોકો આગળ વધો યુનિવર્સિટીની જમીન ઉપર સંશોધન અને લેબ ટેસ્ટ કરો જેથી આવનારી પેઢીને આપણે ઝેરમુક્ત જિંદગી આપી શકીએ. હું પોતે 2 એકર જમીન ઉપર પ્રાકૃતિક ખેતી કરું છું. મેં પરિણામો જોયાં છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ગુજરાતની દરેક ગ્રામ પંચાયત હેઠળનાં 75 ગામનાં એક એક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવી અપીલ કરી છે. ગુજરાતમાં આજે 2.5 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. જો ફાયદો અને ઉત્પાદન ન હોય તો ખેડૂતો એ અપનાવે નહીં.

ગૌમાતા અને માતાની પ્રકૃતિ એક છેઃ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના બેફામ ઉપયોગથી લોકોના સ્વાસ્થ્યને માઠી અસર થઇ રહી છે. પણ નિષ્ણાતોના મતે ગૌમાતા અને માતાના શરીરની રચના કુદરતે મળતી બનાવી છે. બંને પોતાના બચ્ચાં કે બાળકને ધાવણ માટે દૂધ આપે છે. તે ટોક્સિન ફ્રી કરી નાખે છે. ભારતીય ગૌવંશના શરીરની રચના જ કુદરતે અનોખી બનાવી જેમાં આ વંશની ગૌમાતાનું આંતરડું 160 થી 180 ફૂટ લાબું છે. જે તેને મળતા ખોરાકમાં ભળેલા ઝેર જેવા કે રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ અને અન્ય ટોક્સિન બહાર કાઢી નાખે છે. અને ધાવણ રૂપે અપાતું દૂધ ટોક્સિન ફ્રી હોય છે. જોકે આ ઝેરને બહાર કાઢી નાખવાની પણ એક મર્યાદા તો છે. જેને લોકોએ સમજવી પડશે કંઈક આવું જ માતાના સંદર્ભમાં છે. માઁ ના શરીરની રચના પણ એવી છે કે તે તાજા જન્મેલા બાળકને ટોક્સિન યુક્ત ખોરાક ધાવણ રૂપે ન મળે તે માટે એવી પ્રક્રિયા કરે છે. જેનાથી બાળકને ઝેરયુક્ત ખોરાક ન મળે.
24 ટકા ગ્લોબલ વોર્મિંગ પાછળ જંતુનાશક અને કીટનાશક જવાબદાર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને એમ પણ કહ્યું કે આજે ગ્લોબલ વોર્મિંગ વધી ગયું છે. તેના 24 ટકા વધારા પાછળ જંતુનાશક દવાઓ કીટનાશક અને રાસાયણિક ખાતરનો વપરાશ જવાબદાર છે. જેના કારણે જમીનમાં રહેલી 60 ટકા જીવસૃષ્ટિ નાશ પામી છે. આજે જીવન દેવાવાળાઓ જીવન લેવાની પ્રવૃત્તિ કરી રહ્યા હોય તેવી સ્થિતિ છે.

અન્ય સમાચારો પણ છે...