જૂનાગઢની પીજીવીસીએલ કચેરીમાં નિયમ વિરૂદ્ધ થતો એરકન્ડિશનનો ઉપયોગ અટકાવવા માંગ થઇ છે. આ અંગે પીજીવીસીએલના જ એક કર્મીએ નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે, શહેરના આઝાદ ચોક ખાતે આવેલ પીજીવીસીએલની ઓફિસમાં નિયમ વિરૂદ્ધ એસીનો ઉપયોગ થઇ રહ્યો છે. નિયમ મુજબ અધિક્ષક ઇજનેર અને કાર્યપાલક ઇજનેરની ઓફિસોમાં એસીની મંજૂરી છે. તેમ છત્તાં અનેક કર્મીઓની ઓફિસ એસીથી સજ્જ જોવા મળી રહી છે.
ખાસ કરીને એક તરફ પીજીવીસીએલ વિજ બચતની સુફિયાણી સલાહો આપે છે અનેતેમના કર્મીઓ જ નિયમ વિરૂદ્ધ એસી વાપરી વિજળી અને સાથે નાણાંનો વ્યય કરી રહ્યા છે. દરમિયાન આ અંગે એક અધિકારીને જાણ કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલ બિલ્ડીંગનું રિનોવેશન કરવાનું હોય કર્મીઓને અન્ય બિલ્ડીંગમાં ટેમ્પરરી શિફ્ટ કરાયા છે માટે તેમાં એસી લગાવેલા છે, પરંતુ રિનોવેશન કામ પૂર્ણ થયા બાદ કર્મીઓને મૂળ ઓફિસમાં ફેરવી લઇશું અને એસી હટાવી લઇશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.