તાલાલા પંથક સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં જંગલ ખાતાના જટિલ કાયદાઓને કારણે ગીર જંગલની બોર્ડર ઉપરની ગ્રામીણ વિસ્તારમાં રહેતી પ્રજા તથા ખેડુતોને રોજિંદા કામકાજમાં પડતી અનેક મુશ્કેલીઓ પડી રહી છે. જેની સવિસ્તાર રજૂઆત કરી પ્રજાની મુશ્કેલી દૂર થાય તેવા નિર્ણય વહેલીતકે લેવા તાલાલા ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય વનમંત્રીને રૂબરૂ મળીને માંગણી કરી છે. બે દિવસીય સાસણ ગીરની મુલાકાતે આવેલ કેન્દ્રીય વનમંત્રી ભુપેન્દ્ર યાદવને જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ભરતભાઈ સોજીત્રા,તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ છોડવડીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળા, મંત્રી રાજેશભાઈ પાનેલીયા સહિતના પ્રતિનિધિ મંડળે સાસણ ગીરના સિંહ સદન ભવનમાં વન વિભાગને લગતા પ્રશ્નોને લઈ રૂબરૂ મળ્યુ હતુ. જેમાં ગીર જંગલ બોર્ડરની આસપાસ આવેલા ગામો અને ખેડૂતોને જંગલ ખાતાના જટિલ કાયદાઓના લીધે ભારે મુશ્કેલીઓ પડી રહી છે. જેની સવિસ્તાર રજૂઆત કરી હતી.
જેમાં તાલાલા પંથક સહિત ગીરના જંગલમાં આવેલ સેટલમેન્ટના ગામોને રેવન્યુમાં સમાવેશ કરવાની વર્ષો જૂની માંગણીનો સત્વરે અમલવારી કરાવવો જરૂરી છે. બિનખેતી માટે વનવિભાગ તરફથી એનઓસી ઝડપી મળી રહે તે બાબતે, ખેડૂતોને પાણીની પાઈપ લાઈન તથા વીજ જોડાણ માટે વીજપોલ નાખવા માટેની મંજૂરી આપવાના નિયમો હળવા કરવાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જે બાબતે કેન્દ્રીય વનમંત્રીએ ઘટતું કરવા ધરપત આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.