કેન્દ્રીય સહકારિતા મંત્રી જૂનાગઢમાં:અમિત શાહના હસ્તે માર્કેટ યાર્ડના નવનિર્મિત કિસાન ભવનનું લોકાર્પણ અને જિલ્લા સહકારી બેંકના નવા ભવનનું ખાતમુહૂર્ત કરાયું

જુનાગઢ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશભરના ખેડૂતોના હિત અને આર્થિક સમૃદ્ધિ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય સ્તરની ત્રણ નવી મલ્ટી-સ્ટેટ સોસાયટીની સ્થાપના કરી છે. જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ ઉપયોગી બની રહેશે, તેમ આજે કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે જૂનાગઢ ખાતે જણાવ્યું હતું. કે એક મલ્ટી સ્ટેટ સોસાયટી ખેડૂતો પાસેથી તેમના ઉત્પાદનો લેશે અને ખેડૂતોને નફો આપશે. ઉપરાંત ખેડૂતો ઘર બેઠા પોતાના ઉત્પાદનો દેશ તથા વિદેશની બજારોમાં વેચી શકે, નિકાસ કરી શકે તે માટે પણ રાષ્ટ્રીય સ્તરની સહકારી સોસાયટીની રચના કરી છે. આ સોસાયટી એકસપોર્ટ હાઉસ તરીકે સેવા આપશે અને ખેડૂતોને નફો મળશે. દેશની દરેક પંચાયતમાં કો-ઓપરેટિવ સેવા સહકારી મંડળી બનાવશે. જેમાં ખેત ઉત્પાદનો ઉપરાંત ડેરી અને મત્સ્ય ઉત્પાદનોનો પણ સમાવેશ કરાશે. આ માટે બાયલોઝમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ મંડળીનું રજીસ્ટ્રેશન પંચાયત ખાતે થઈ શકશે.

દેશની આઝાદી પછી સહકારી ક્ષેત્ર માટે અલગ મંત્રાલયની માગણી ઊઠી હતી. જો કે વર્ષો સુધી તેના પર ધ્યાન નહોતું અપાયું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અલગ સહકારિતા વિભાગની રચના કરીને ખેડૂતોની વર્ષો જૂની માગણી સંતોષી છે. આ સાથે વડાપ્રધાને ખેડૂતોના કલ્યાણ માટે અનેક નિર્ણયો લીધા હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા અને મહત્વ સમજાવતા પોતાના અનુભવ પણ વહેંચ્યા હતા.કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા વર્ષો પહેલા ગુરુકુળમાં શરૂ કરાયેલી પ્રાકૃતિક ખેતીના પ્રયોગો અને ગુજરાતમાં અભિયાનનો ઉલ્લેખ કરી ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાઈ રહ્યા છે અને તેના ફાયદા પણ થઈ રહ્યા છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમજ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું નથી પણ વધે છે, પેસ્ટીસાઈડનો ઉપયોગ નથી કરવો પડતો અને ઓર્ગેનિક ઉત્પાદનોના સારા ભાવ પણ મળે છે. પ્રકૃતિક ખેતી કરતા ખેડૂતોને સારા ભાવ મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અભિયાન પણ શરૂ કર્યું છે. જેમાં પ્રાકૃતિક ખેતીની પ્રોડક્ટના માર્કેટિંગ, સર્ટિફિકેશન અને નકલી પ્રોડક્ટ ઘૂસી ના જાય તેના માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. જૂનાગઢ યાર્ડમાં તો પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો માટે અલગ હરાજીની વ્યવસ્થાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હોવાના યાર્ડના ચેરમેન કિરીટભાઈ પટેલ અને તેમની ટીમના નિર્ણયને તેમણે બિરદાવ્યો હતો. સહકારી માળખાને મજબૂત બનાવવા સાથે આગામી 10 વર્ષમાં ખેડૂતની આવક બે ગણી નહિ, પણ અનેકગણી કરવાના મોદી સરકારના લક્ષ્યનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. વિદેશી ખાતરનો ઉપયોગ કરતા ખેડૂતોને ચેતવતા તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી જ આવનારા દિવસોમાં ધરતીના જતનનો એકમાત્ર રસ્તો છે. યુરિયા અને ડી.એ.પી.થી ખેતી કરતા રહીશું તો આવનારા 25 વર્ષોમાં આપણી ધરતી સિમેન્ટ જેવી થઈ જશે.

આ પ્રસંગે રાજ્યના કેબિનેટ કૃષિ પશુપાલન અને સહકાર મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, કૃષિ વિકાસ અને ખેડૂતોના કલ્યાણ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે માંગણી કરતા પણ વધુ બજેટ કૃષિ વિભાગને ફાળવ્યું છે. રાજ્ય સરકારે કૃષિ વિભાગ માટે વર્ષ 2023-24ના બજેટમાં રૂપિયા 21,604 કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે. આમ, રાજ્યના ખેડૂતો સમૃદ્ધ અને આત્મનિર્ભર બને તે માટે વિવિધ કૃષિ લક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. ઉપરાંત, ખેડૂતો પર વધારે આર્થિક બોજો ન પડે તે માટે છેલ્લા 20 વર્ષથી રાસાયણિક ખાતર પર માતબર સબસીડી આપવામાં આવી રહી છે. ઉદ્યોગ ક્ષેત્રે જે વીજળી અંદાજે રૂપિયા 8 ના દરે મળે છે, જે ખેડૂતોને માત્ર 64 પૈસામાં આપવામાં આવે છે. સાથે ખેડૂતોને વીજ જોડાણ આપવામાં પણ ખૂબ મોટી આર્થિક રાહત આપવામાં આવી રહી છે.

રાઘવજીભાઈ પટેલે સહકાર ક્ષેત્રના વિકાસમાં પાયારૂપ એવા સરદાર પટેલ, મોરારજીભાઈ દેસાઈ અને ત્રિભુવનદાસ પટેલને યાદ કરતા જણાવ્યું કે, રાજ્યના પશુપાલકોના આર્થિક કલ્યાણ માટે 17,000 જેટલી દૂધ મંડળીઓ ચાલી રહી છે. ઉપરાંત 10,000 જેટલી ખેતી વિષયક મંડળીઓ, 18 મધ્યસ્થ સહકારી બેંક અને એક રાજ્ય સહકારી બેંક આમ, સંયુક્ત પણે આ સહકારી બેંકોના માધ્યમથી રાજ્યના 50 ટકા થી વધુ ખેડૂતોની આર્થિક જરૂરિયાત સંતોષવામાં આવી રહી છે. અંતમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારિતા મંત્રાલયની રચના કરી છે. અમિતભાઈ શાહને તેનું સુકાન સોપ્યું છે.

આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ આજના દિવસને સહકારી ક્ષેત્ર માટે ગૌરવવંતો ગણાવતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યનું સહકારી માળખાની સાથે સહકારી બેંકો પણ ખૂબ મજબૂત બની છે. જેના પરિણામે લોકો અને ખેડૂતોનો સહકારી ક્ષેત્રની બેન્કોમાં ભરોસો પણ વધુ મજબૂત બન્યો છે. ગુજરાતમાં સહકારી ક્ષેત્રની સફળતાને ધ્યાને રાખીને સમગ્ર રાજ્યમાં ગુજરાતનું સહકારી મોડલ અમલી બનવા જઈ રહ્યું છે. તેમણે અંતમાં ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના કલ્યાણ માટે સહકારી ક્ષેત્ર ખૂબ મોટી ભૂમિકા હોવાનું જણાવતા સહકારી ક્ષેત્રને વધુ આગળ લઈ જવા માટે અનુરોધ કર્યો હતો. એપીએમસી જુનાગઢ અને જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરતા અને કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના સાત વર્ષ બાદ જૂનાગઢમાં આગમનને વધાવતા જણાવ્યું કે, દેશના ગૃહમંત્રીના સબળ અને સફળ નેતૃત્વના પરિણામે અનુચ્છેદ 370 દૂર કરવામાં સફળતા મળી છે. આ સાથે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીને ત્રીજી વખત ફરી દેશના પ્રધાનમંત્રી બનાવવા માટે ખેડૂતોને આહવાન કર્યુ હતું. અંતમાં તેમણે એપીએમસી-જુનાગઢના વિકાસ અને ખેડૂત કલ્યાણની પ્રવૃતિથી અવગત કરાવ્યા હતા. આ પ્રસંગે એપેક્સ બેંકના ડિરેક્ટર જશાભાઇ બારડે જુનાગઢ જિલ્લા સહકારી સંસ્થાની પૃષ્ઠભૂમિ અંગે જણાવ્યું હતું કે, એક સમયે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક, ખરીદ વેચાણ સંઘ, સહકાર સંઘ, ગ્ર્રોફેડ આ સહકારી સંસ્થા નબળી પડેલ હતી પરંતુ સમયની સાથે અને સરકારશ્રીની મદદથી આજે સહકારી ક્ષેત્ર વિકાસના પંથે છે.તેમને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે બેંકે એક વર્ષમાં 32 કરોડનો નફો કર્યો છે તેમજ 10% % ડિવિડન્ડ આપી રહી છે આગામી સમયમાં 40 થી 50 કરોડના નફાનો લક્ષ્યાંક છે.

ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી સરકારી સહાય મળે આર્થિક અને સામાજિક સમૃદ્ધિ આપવાનું કામ સહકારી સંસ્થા કરી રહી છે. સહકારી સંસ્થાના માધ્યમથી વડાપ્રધાનના સૂત્ર સહકારથી સમૃદ્ધિના દ્વાર ખુલ્લી રહ્યા છે.તેમણે જણાવ્યું હતું કે, દેશના અંતિમ માણસ સુખી થાય એ વિચારને સાર્થક કરવા વડાપ્રધાનએ નવું જ મંત્રાલય કર્યું છે અને તેની જવાબદારી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને જવાબદારી સોંપવામાં આવી છે. શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રને સજીવન કરવાનું કામ દેશભરમાં થઈ રહ્યું છે.તેમણે ઉમેર્યું હતું કે, સરકારની નવી નીતિથી પ્રાઇમરી સોસાયટી વધુ મજબૂત બનશે ગ્રામ્ય સ્થળે રોજગારીની તકો ઊભી થશે તેમજ સહકારી ક્ષેત્ર દેશના આર્થિક વિકાસમાં મુખ્ય પ્રવાહની માફક આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ત્રણ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા, મેયર ગીતાબેન પરમાર, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ,ગીર સોમનાથ પંચાયતના પ્રમુખ રામીબેન વાજા, રાષ્ટ્રીય કૃષિ બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, એચ આર સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન બીપીનભાઈ પટેલ, સાવજ ડેરીના ચુરમેન દિનેશભાઇ ખટારીયા, પુનિતભાઈ શર્મા, ધવલભાઈ દવે તેમજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને એપીએમસી જૂનાગઢના હોદ્દેદારો અને ડિરેક્ટરો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...