જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના છાત્રોને કોલેજલક્ષી કામગીરી માટે પહેલાં રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સુધી ધક્કા ખાવાનો વારો આવતો હતો જેથી મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. જો કે, બાદમાં યોગ્ય રીતે છાત્રો માટે વ્યવસ્થા કરી શકાય તે માટે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિર્વસિટી જૂનાગઢના ખડીયા પાસે કાર્યરત કરવામાં આવી છે. પરિણામે હવે છાત્રો નજીકના વિસ્તારમાં જ પરીક્ષા કે યુનિવર્સિટીને લગતા કામો આસાનીથી કરી શકે છે.
ત્યારે ચાલુ વર્ષની વાત કરીએ તો કોલેજ કક્ષાની યુનિ. દ્વારા લેવાતી પ્રથમ અને દ્વિતીય સેમસ્ટરની પરીક્ષા હજુ સુધી યોજાઈ નથી. વિધાનસભાની ચૂંટણીનું ગ્રહણ લાગવાના કારણે પરિક્ષા મોડી થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, હાલ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે છતાં હજુ સુધી પ્રથમ સત્રની પરીક્ષાના ફોર્મ ભરવાનું શરૂ પણ નથી થયું.
તો બીજા સેમેસ્ટરની પરીક્ષા ક્યારે લેવાશે? એ પણ એક સવાલ છે. જ્યારે યુનિવર્સિટીમાંથી મળતી વિગતો જોઈએ તો આ વર્ષે વિધાનસભાની ચૂંટણીના કારણે પરીક્ષા પાછળ ગઈ છે. તેમજ યુનિવર્સિટી દ્વારા નવો સોફ્ટવેર જનરેટ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે પણ હજુ સુધી સેમસ્ટર-1 ની પરીક્ષા ફોર્મ ભરાયાં નથી . જ્યારે એટીકેટિ ધરાવનાર છાત્રોના ફોર્મ ભરાઈ ગયા છે.
આ હતી સંભવિત તારીખ
વધુમાં જાણવા મળેલ માહિતી મુજબ અગાઉ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની સંભવિત તારીખ 22 નવેમ્બર અને બાદમાં 13 ડિસેમ્બર પણ જાહેર કરાઇ હતી. ત્યારે આ વર્ષે યુનિવર્સિટી માત્ર 4 માસમાં જ પરીક્ષા ફોર્મ ભરી બંને સત્રની પરીક્ષા લેશે એવો ઘાટ સર્જાયો છે.જેથી છાત્રો પણ ચિંતિત બન્યાં છે કે, ટૂંકા સમયમાં એકી સાથે બે પરીક્ષાની તૈયારી કેમ કરવી?
ડિસે.ના એન્ડમાં કે જાન્યુ.માં પરીક્ષા લેવાતી હોય છે
આ અંગે નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સમેસ્ટર 1ની પરિક્ષા ડિસેમ્બરના એન્ડમાંઅથવા જાન્યુઆરીમાં જ લેવાતી હોય છે. આ વર્ષે પણ એ રીતે જ લેવાશે.માટે વિધાનીસભાની ચૂંટણીના કારણે પરીક્ષા મોડી થઇ હોવાનું જણાયું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.