જેલમાં મોબાઈલ:જૂનાગઢ જેલની બેરેકની દિવાલમાં બાકોરું પાડી છુપાવેલા બે મોબાઈલ મળી આવ્યા

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે મોબાઈલ મળવા મામલે ત્રણ કેદીઓ સામે એ ડિવિઝનમાં ગુનો નોંધાયો

જૂનાગઢ જિલ્લા જેલમાં જેલના સ્ટાફે તપાસ કરતા એક બેરેકની દિવાલમાં બાકોરૂ પાડી તેમાં છુપાવેલો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ ઉપરાંત અન્ય એક ખોલીની પાછળથી પણ એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આમ, જેલમાંથી બે મોબાઈલ મળવા અંગે ત્રણ કેદીઓ સામે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ જેલમાં સહાયક તરીકે ફરજ બજાવતા કલ્પેશભાઈ ચંદુભાઈ ગજેરા જેલની સલામતી અર્થે યાર્ડમાં ગતરાત્રીના રાઉન્ડમાં નીકળ્યા હતા. એ સમયે ખોલી નં.5 માં બંધ કવરમાં આવેલા કાચા કામનો કેદી કોઈની સાથે મોબાઈલ ફોન પર વાત કરતો હોવાની શંકા જતા સર્કલ પર બેસેલા નાઈટ અમલદાર તથા જેલરને જાણ કરી હતી.

બાદમાં જેલના સ્ટાફે ખોલી નં.5 માં બંધ કાચા કામના કેદી નરેશ ઉર્ફે ભકો ખીમજી ભજગોતર, બાબા ઉર્ફે બાબા હાજા ચૌધરી અને સલીમ ઉર્ફે સુલ્તાન બહાદુર સીરાજીયાના બિસ્તરની ઝડતી લીધી હતી. ત્યારે બેરેકની અંદર જમણી બાજુની દિવાલમાં લગાવેલી ટાઇલ્સ તોડી તેમાં બાકોરૂ પાડી છૂપાવી રાખેલો એક મોબાઈલ ફોન ચાલુ હાલતમાં મળી આવ્યો હતો. આ ઉપરાંત ખોલી નં.4 ની પાછળથી પણ એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. આ અંગે આ ત્રણેય કાચા કામના કેદીઓ સામે ગુનો નોંધવામાં આવતા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, જિલ્લા જેલમાંથી છાશવારે મળી આવતા મોબાઈલ નો સિલસિલો અવિરત ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...