જૂનાગઢમાં માંગરોળ તાલુકાના આરેણા ગામ નજીક બંધ ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા અકસ્માત થયો હતો. જેમાં બાઈકમાં સવાર બે મિત્રોના મોત થયા હતા. મિત્રો આરેણા ગામથી માંગરોળ પરત આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં બંધ ટ્રક પાછળ તેઓની બાઈક ઘૂસી જતા બાઈકમાં સવાર એક મિત્રને સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું જયારે બીજા મિત્રને ઈજા થતા સારવારમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ થયુ હતું. આ અકસ્માતની ઘટનાને લઈ બંનેના પરીવારજનો અને સંબંધીઓમાં ગમગીની પ્રસરી ગઈ હતી.
આ અકસ્માત અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંગરોળમાં રહેતા અયુબ મહમદભાઈ કાલવાત અને તેના મિત્ર રવિ રણજીતભાઈ બાઈક પર આરેણા ગામ ગયા હતા. જયાંથી બંને મિત્રો બાઈક પર પરત આવી રહ્યા હતા.
આ દરમિયાન રસ્તામાં સુપરવડની સીમ પાસે બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક પાછળ બાઈક અથડાતા આયુબભાઈ અને તેના મિત્ર રવિભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. એ સમયે રાહદારી લોકોએ ત્વરીત બંને મિત્રોને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં માંગરોળ ખાતે સારવારમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે અયુબભાઈને મૃત જાહેર કર્યો હતો. જયારે રવિને પ્રાથમીક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો ત્યાં તેનું પણ મોત નીપજયું હતું.
અકસ્માતમાં બંને મિત્રોના મૃત્યુના સમાચારથી પરીવારજનો, સંબંધીઓ અને ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ અકસ્માત અંગે મુસા દાઉદભાઈ કાલવાતે રોડ પર બેદરકારીથી ટ્રક પાર્ક કરનારા સામે ફરિયાદ નોંધાવતા માંગરોળ મરીન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.