ગીર જંગલની બોર્ડર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં બે સિંહો પશુનું મારણ કરી સાથે લઈ જતા હોવાના દ્રશ્યો રાહદારી ચાલકના કેમેરામાં કેદ થયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં દેખાતો વિસ્તાર ગીર સોમનાથ જિલ્લાના ગીર જંગલ આસપાસના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું અનુમાન છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખોરાકની શોધમાં સિંહ સહિતના વન્યપ્રાણીઓ જંગલ બહાર ગ્રામ્ય વિસ્તારમાં આવી રહ્યા છે. ત્યારે રાત્રીના સમયે બે ડાલામથ્થા સિંહોએ રસ્તાની સાઈડમાં પશુનો શિકાર કર્યો હતો. જે બાદ એક સિંહ મૃત પશુને મોઢામાં લઈ જંગલ તરફ ચાલીને જઈ રહ્યો હતો. આ સમયે બીજો સિંહ પાછળ દોડીને જઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના રસ્તા પરથી પસાર થઈ રહેલા કોઈ રાહદારીએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. આ વીડિયો કયા ગામનો છે તેની કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ સિંહોને તેમજ વિસ્તાર જોઇને આ વીડિયો ગીર જંગલના બોર્ડર આસપાસના કોઈ ગ્રામ્ય વિસ્તારનો હોવાનું જાણકારો અનુમાન વ્યક્ત કરી રહ્યા છે.
કાળઝાળ ગરમીમાં લોકો તો ઠીક વન્યપ્રાણીઓ પણ ત્રાસી ગયા છે. આ સીઝનમાં જંગલમાં પાણી અને ખોરાક સરળતાથી મળતો ન હોવાથી સિંહ, દિપડા જેવા વન્યપ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં જંગલ બહારની માનવ વસતી વાળા વિસ્તારોમાં આવી ચડતા જોવા મળે છે. તે પૈકીના ઘણા કિસ્સામાં વન્યપ્રાણીઓ પશુઓનું મારણ કરી મિજબાની માણતા તથા ઘણા કિસ્સામાં તરસ છીપાવવા પાણી પીતા નજરે પડે છે. અમુક કિસ્સામાં તો દિપડાઓ લોકો પર હુમલા કર્યાના પણ બનાવો બન્યા છે. વારંવાર માનવ વસાહત વાળા ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ સહિતના વન્યપ્રાણીઓના આંટાફેરાથી લોકોમાં પણ ભયની લાગણી પ્રસરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.