હવાઈ પેટ્રોલીંગ:સોમનાથ મંદિરના શિખર નજીક બે હેલિકોપ્ટર રાઉન્ડ મારતા દેખાયા; ટોક ઓફ ધ ટાઉન બની આ ઘટના

વેરાવળએક મહિનો પહેલા
સોમનાથ મંદિર પર હવાઈ પેટ્રોલીંગ કરતા કોસ્ટગાર્ડના બે હેલિકોપ્ટર
  • દરિયાઈ સુરક્ષા સતર્ક રાખવાની કવાયતના ભાગરૂપે સોમનાથ મંદિર વિસ્તારમાં હવાઈ પેટ્રોલિંગ કરાયું

સોમનાથ મંદિરની અને દરિયાઈ સુરક્ષાને લઈ કોસ્ટગાર્ડના બે હેલિકોપ્ટરોએ હવાઈ પેટ્રોલિંગ કર્યું હતું. તાજેતરની ઘટનાઓ બાદ દરીયાઇ સુરક્ષા સતર્ક રાખવાની કવાયતના ભાગરૂપે ઝેડ પલ્સ સુરક્ષા ધરાવતા જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર પર કોસ્ટગાર્ડએ બે હેલિકોપ્ટર દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. બંન્ને હેલિકોપ્ટરોએ મંદિરના શિખર નજીક લો લેવલ પર પેટ્રોલિંગ કર્યું હતું.

આતંકીઓના હિટ લીસ્ટ પર કાયમી રહેતા એવા અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની સુરક્ષાને લઈ કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતું. જેમાં કોસ્ટગાર્ડના બે હેલિકોપ્ટર દ્વારા 700 મીટર જેટલી ઉંચાઈ પર લો લેવલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

ઝેડ પલ્સ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરની સુરક્ષા સાથે જ અરબી સમુદ્રની સુરક્ષા માટે સુરક્ષા તંત્રના કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, ઘોડેસવાર પોલીસ સહિતના તમામ વિભાગો સતત ખડેપગે રાખવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, છેલ્લા થોડા સમય દરમ્યાન દેશના દરીયા કિનારાથી ભારતમાં નશાદ્રવ્યક પદાર્થોની હેરાફેરીની પ્રવૃત્તિઓ વધી છે. સુરક્ષા એજન્સીઓએ કરોડોની કિંમતનું ડ્રગ્સ સહિતના પદાર્થો પકડી પાડ્યા છે. જેથી સરકાર દ્વારા દરિયાઈ સુરક્ષા બાબતે સતર્કતા રાખવા ખાસ સૂચના આપી છે. જેથી દરિયાઈ સુરક્ષાની કોસ્ટગાર્ડ, નેવી સહિતની મુખ્ય સુરક્ષા એજન્સીઓ સમયાંતરે પેટ્રોલિંગ કરી કવાયત કરી રહી છે. જે ભાગરૂપે જ સોમનાથ મંદિર ના દરિયાઈ વિસ્તારમાં હવાઈ નિરીક્ષણ કરવા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...