તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જૂનાગઢમાં વેપારી સાથે છેતરપિંડી કરનાર બે ઝડપાયા, હજુ બે આરોપીઓ ફરાર

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પકડાયેલ બંન્ને આરોપીઓ - Divya Bhaskar
પકડાયેલ બંન્ને આરોપીઓ
  • ચાર શખસોની ગેંગે અનેક વેપારીઓને ફોન કરીને છેતર્યા હોવાનું સામે આવ્યું
  • રૂ.3.78 લાખના લોખંડની ખીલાસરી તથા ટ્રક સાથે બંન્નેને પોલીસે વોચ રાખી ઝડપી લીધેલ

જૂનાગઢમાં એક વેપારીને ફોન કરીને બાંધકામ માટે લોખંડની ખીલાસરીનો માલ મંગાવીને બાદમાં ફોન બંધ કરીને છેતરપિંડી કર્યાના ગુનામાં પોલીસે વોચ ગોઠવી બે શખ્સોને મુદામાલ સાથે ઝડપી લીધેલ જ્યારે બાકીના બે ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના મુકુંદભાઈ નાનાલાલ છત્રાલા નામના વેપારીને ગોંડલના અરજણ રતના પરમાર નામના શખ્સે ફોન કરીને તેને બાંધકામ માટે લોખંડની ખીલાસરીનો ઓર્ડર આપીને માલ મંગાવેલ હતો. બાદમાં માલના રૂ.1.66 લાખ નહી આપી ફોન બંધ કરીને ઠગાઈ કર્યાની વેપારીએ સી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધવી હતી. જેને લઈ પીએસઆઈ જે.એ. ગઢવીએ તપાસ હાથ ધરી હતી.

જેમાં પોલીસે વોચ ગોઠવીને ગઈકાલે અરજણ રતના પરમાર અને કનૈયાલાલ મેઘજી પિત્રોડા (બને રહે.ગોંડલવાળા) ને 6,310 ટન લોખંડની ખીલાસરીના જથ્થા કિં.રૂ.3.78 લાખના મુદામાલ, રૂ.6 લાખનો ટ્રક અને બે મોબાઈલ સાથે ઝડપી લીધા હતા. બંન્નેની પૂછપરછમાં આ બન્ને શખ્સોના લીડર શૈલેશ છગન પટેલ અને મહેશ પટેલ હોવાનું કબુલેલ હતું. જેમાં શૈલેશ સામે રાજકોટ, સુરત, ભાવનગર, પોરબંદર, વડોદરામાં છેતરપીંડીના 9 જેટલા ગુન્હા નોધાયેલા છે.

આ શખ્સો સ્ટીલ લોખંડના વેપારીને ટાર્ગેટ બનાવી મોબાઈલ નંબર મેળવી તેઓના શહેરના સ્થાનિક નામચીન માણસના નામે ફોન કરીને વિશ્વાસમાં લઈને માલ મંગાવીને બાદમાં પૈસા નહી આપી ફોન બંધ કરી ઠગાઈ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ આ ગેંગના બે શખ્સો ઝડપાયા છે જયારે લીડર એવા બીજા બે શખ્સોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...