કાર્યવાહી ક્યારે?:ગુજરાતના દરિયામાં દસ દિવસમાં બે વખત મહારાષ્ટ્રની બોટ લાઈન ફીશીંગ કરતા ઝડપાઈ, કોઈ પગલાં ના લેવાતા સવાલો ઉઠ્યા

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહારાષ્‍ટ્રની પકડાયેલ બોટો - Divya Bhaskar
મહારાષ્‍ટ્રની પકડાયેલ બોટો
  • કૉંગ્રેસના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામા આવ્યું

ગુજરાતના દરિયામાં છેલ્‍લા દસ દિવસ દરમિયાન મહારાષ્‍ટ્રની ફીશીગ બોટો લાઇન ફીશીગ કરતા પકડાય હોવા છતાં તેઓ સામે તંત્રએ કેવી કડક અને શું કાર્યવાહી કરી તે હજુ સુઘી જાહેર કર્યુ નથી. જેના લીઘે માછીમારોમાં રોષ પ્રર્વતેલ હોવાથી ગુજરાત ફીશરીઝના કાયદા મુજબ મહારાષ્‍ટ્રની બોટો સામે કડક દંડનીય કાર્યવાહી કરો અને હવે ફરી વખત પરપ્રાંતીય ફીશીગ બોટો ગુજરાતના દરિયામાં લાઇન ફીશીગ કરવા ન પહોંચે તે બાબતે ઘટતી કાર્યવાહી કરવા અંગે કોંગ્રેસના આગેવાનોએ પ્રાંત અઘિકારીને આવેદનપત્ર પાઠવી માંગણી કરી છે.

ઓકટોમ્‍બર મહિનાના અંતિમ દિવસો દરમિયાન બે વખત મહારાષ્‍ટ્રની સંખ્‍યાબંઘ ફીશીગ બોટ ગુજરાતના દરિયામાં લાઇન ફીશીગ કરતી હોવાનું સામે આવ્‍યુ છે. જે અંગે કોઇ કાર્યવાહી ન થઇ રહી હોવાથી પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ અભય હીરાભાઇ જોટવા, શહેર કોગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર મોતીવરસ, દિપક ખોરાબા, માછીમાર કોંગ્રેસ સેલના પ્રમુખ અશ્વિનઇ સુયાણી, ફીશરમેન કોગ્રેસના સેક્રેટરી લલિતભાઇ ફોફંડી સહિતના દ્વારા મુખ્યમંત્રીને સંબોઘેલ એક આવેદન પત્ર પ્રાંત અઘિકારીને આપેલ છે. જેમાં જણાવેલ કે, ગત તા.21 ઓકટોમ્‍બરના રોજ સોશિયલ મીડિયામાં ફોટા અને વીડિયો થકી જાણવા મળેલ મહારાષ્ટ્રની ઘણી બોટો ગેરકાયદેસર રીતના ગીર સોમનાથના દરિયામાં લાઇન ફિશિંગ કરી રહી છે. જે બોટોને કોસ્ટગાર્ડ દ્વારા જીલ્‍લાના દરિયાઇ વિસ્‍તારમાંથી ઝડપી લીઘા બાદ બોટોને દીવ લઇ જવામાં આવી હતી. આ બોટો સામે તંત્રએ કોઇ કાર્યવાહી કરી છે કે કેમ તેની કોઇ જાણકારી જાહેર કરવામાં આવી નથી. જે ઘણા સવાલો ઉભા કરે છે.

આવેદનપત્ર આપી રહેલ કોંગ્રેસના આગેવાનો
આવેદનપત્ર આપી રહેલ કોંગ્રેસના આગેવાનો

વઘુમાં આ ઘટનાના ત્રણ દિવસ બાદ તા.24 ઓકટોમ્‍બરના રોજ ગીર સોમનાથના વેરાવળ, સુત્રાપાડા, કોડીનારના દરિયાઇ વિસ્તારમાંથી ફરી મહારાષ્ટ્રની સંખ્‍યાબંઘ ફીશીગ બોટો ગેરકાયદેસર રીતે લાઇન ફિશિંગ કરતી હોવાનો સ્‍થાનિક માછીમારે પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારી લીધો હતો. બાદમાં આ લાઇન ફિશિંગના વીડિયોને લઇ યુથ અને રાષ્ટ્રીય કોંગ્રેસના હોદ્દેદારો સાથે ચર્ચા કર્યા બાદ વીડિયોને ટવીટર પર તા.26 ઓક્ટોબરના રોજ પોસ્‍ટ કરી કોસ્‍ટગાર્ડ સહિતનાને ટેગ કર્યો હતો. જેના પગલે તા.27 ના રોજ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા લાઇન ફિશિંગ કરતી મહારાષ્ટ્રની બોટોને ઝડપીને ઝડપી લઇ વેરાવળ બંદરે લાવી હતી. જેની સામે હજુ સુઘી શું કાર્યવાહી કરાઇ તે જાહેર થયુ નથી. જેના લીઘે માછીમારોમાં રોષની લાગણી પ્રવર્તેલ છે.

દરીયામાં લાઇન ફીશીગ કરી રહેલ બોટો
દરીયામાં લાઇન ફીશીગ કરી રહેલ બોટો

વઘુમાં છેલ્‍લા બે વર્ષથી ગુજરાતનો મત્સ્યઉદ્યોગ કોરોના અને તૌકતે વાવાઝોડા જેવી કુદરતી આફતોના લીઘે મરણપથારીએ પહોંચી ગયો છે. જયારે ચાલુ વર્ષે ડીઝલના વઘેલા અસહય ભાવવઘારોનો માર માછીમારોને પરેશાન કરી રહ્યો છે. જેના લીઘે ચાલુ વર્ષે ફીશીગ બોટોને મોકલવા માટે સ્‍થાનિક માછીમારો પોતાના દાગીના ગીરવે મુકી બેંક લોન લઇ માછીમારી કરવા જવાનું જોખમ લઇ રહ્યા છે. એવા સમયે પરપ્રાંતીય ફિશીગ બોટો લાઇન ફિશીગ જેવી વિનાશકાર માછીમારી પઘ્‍ઘતિનો નિયમોનો ભંગ કરી છડેચોક ઉપયોગ કરી છે. તેમ છતાં પરપ્રાંતીય બોટો સામે તંત્ર નોંઘનીય કાર્યવાહી કરવામાં ઉણું ઉતરી રહ્યું છે. ત્‍યારે છેલ્‍લા દસ દિવસ દરમિયાન ગીર સોમનાથ જીલ્‍લાના દરિયામાંથી બે વખત લાઇન ફીશીગ કરતા પકડાયેલ મહારાષ્‍ટ્રની ફીશીગ બોટો સામે ગુજરાત ફિશરીઝ અમેન્ડમેન્ટ બિલ 2020ની જોગવાઇ મુજબ કડક દંડનીય કાર્યવાહી કરવા માંગણી છે. જો આમ નહીં કરવામાં આવે તો ગુજરાતનો માછીમારી ઉઘોગ બરબાદ થઇ જશે અને લાખો લોકો બેરોજગાર બની જશે. જેથી સત્‍વરે કડક કાર્યવાહી કરવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...