આહલાદક નજારો કેમેરામાં કેદ:મેઘમહેર થતાં ગિરનાર સોળે કળાએ ખીલી ઊઠ્યો, અલૌકિક કુદરતી સૌંદર્યનો નજારો જોવા પ્રવાસીઓ ઊમટી પડ્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • વરસાદને પગલે ગિરનારનાં પગથિયાં ઉપરથી ધસમસતું પાણી વહેતું જોવા મળ્યું

જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર તેમજ આસપાસમાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો હતો, જેથી ગિરનાર અને દાતાર પર્વતની ગિરિમાળા સોળે કળાએ ખીલી ઊઠી હતી. ગિરનાર પર્વતનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે તેમજ એના ઉપર બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે પગથિયાં પરથી ધસમસતું પાણી વહેતું જોવા મળી રહ્યું છે. આ વરસાદી માહોલમાં ગિરનાર પર્વત ઉપર છવાયેલા કુદરતી સૌંદર્યનો લહાવો લેવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડ્યા હતા. જોકે વરસાદી માહોલને પગલે પર્વત પરની રોપ-વે સેવા બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વિલિંગ્ડન ડેમ પર વરસાદી વાદળો છવાઈ ગયાં
ગિરનાર પર્વતના સાંનિધ્યમાં આવેલા ભવનાથના જંગલ વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. એને પગલે જંગલ વિસ્તાર અને પાસે આવેલો વિલિંગ્ડન ડેમ પર વરસાદી વાદળો છવાઈ ગયાનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. ડેમ સાઈટ અને એની આસપાસના જંગલ વિસ્તારમાં લીલોતરી સોળે કળાએ ખીલી ઊઠતાં આકાશમાંથી વાદળો પર લીલોતરી સાથે વાતો કરતા હોય એવો અદભુત કુદરતી સૌંદર્યનો નજારો જોવા મળી રહ્યો છે. આ નજારાને જોવા માટે મોટી સંખ્યામાં નગરજનો અને પર્યટકો ડેમની સાઈટ પર પહોંચ્યા હતા.

પ્રવાસીઓએ અદભુત નજારાનો લહાવો લીધો
ગઈકાલે અષાઢી બીજના પાવન દિવસે દિવસભર સતત વરસાદ વરસ્યો હતો. એ બાદ આજે બીજા દિવસે પણ સવારથી જ જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત આસપાસના જંગલ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ગિરનાર જંગલ વિસ્તારમાં કુદરતી સૌંદર્યનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. બે દિવસથી ગિરનાર પર્વત ઉપર વરસી રહેલા વરસાદને પગલે પ્રવાસીઓએ પણ વરસતા વરસાદની મોજ માણી હતી. ગિરનાર પર્વતનાં પગથિયાં પરથી વરસાદી પાણીનાં ઝરણાં વહેવા લાગ્યાં હતાં, જેનો લહાવો પ્રવાસીઓ ઉઠાવી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે દર વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદી માહોલ જામે ત્યારે ગિરનાર પર્વત ઉપર તથા આસપાસના જંગલ વિસ્તારમાં અદભુત અલૌકિક કુદરતી સૌંદર્યનો નજારો જોવા મળે છે. એવી જ રીતે આજે વરસાદી માહોલમાં ગિરનાર પર્વત અને આસપાસના જંગલ વિસ્તારમાં લીલોતરી સોળે કળાએ ખીલી ઊઠ્યાનો નજારો જોવા મળી રહ્યો છે, જે નિહાળવાનો અદભુત લહાવો નગરજનો સહિત પ્રવાસીઓ લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...