જુનાગઢ / ગિરનારના ડોલીવાળાઓને વૈકલ્પિક રોજગારી માટે ભવનાથમાં દુકાનોનું ખાતમુહૂર્ત કરાયું, 104 પરિવારને રોજગારી મળશે

X

  • સરકારે 104 કુંટુંબોને દુકાનો આપવાનો નિર્ણય કર્યો
  • ભવનાથમાં 104 દુકાનો બનશે

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 06:30 PM IST

જુનાગઢ. ગુજરાત પ્રવાસન વિભાગનો પ્રયાસ હંમેશાથી જ પ્રવાસનની સાથોસાથ સ્થાનિક રોજગારીને પણ વેગ મળે તેવા આયોજનો હાથ ધરવાનો રહ્યો છે. ત્યારે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસન અને મત્સ્યઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાના હસ્તે ગિરનારના ડોલીવાળાઓને વૈકલ્પિક રોજગારી પ્રાપ્ત થાય તે હેતુથી રૂ.1 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જૂનાગઢ ભવનાથ ખાતે ડોલીવાળાઓના લાભાર્થે 104 દુકાનોનું નિર્માણ કરવામાં આવશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂપિયા 1.14 કરોડના ખર્ચે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામેના મેદાનમાં ભવનાથ ખાતે આ દુકાનોનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે.

104 કુટુંબની રોજગારીનો પ્રશ્ન હલ થયો-ચાવડા
મંત્રીજવાહર ચાવડાએ જણાવ્યું હતું કે ડોલીના માધ્યમથી ભાવિકોને પવિત્ર ગિરનારની યાત્રા કરાવતા ડોલીવાળા કુટુંબો માટે ભવિષ્યમાં રોપ-વે કાર્યરત થવાથી રોજગારીનો પ્રશ્ન ઉભો થયો હતો. જેથી ડોલીવાળાઓની વૈકલ્પિક રોજગારીની માંગણી હતી. તેમની રોજગારીનો પ્રશ્ન હતો. જેથી રાજ્ય સરકારે દુકાનો આપવાનો નિર્ણય કરી 104 કુટુંબની રોજગારીનો પ્રશ્ન હલ કર્યો છે. સાથે જ જણાવ્યું હતું કે ભવનાથ મેદાન પાર્કિંગ માટે છે, પરંતુ દુકાનો બૉર્ડર ઉપર બનશે અને બાજુમાં પાર્કિંગની વધુ જગ્યા ખુલ્લી કરાશે. જેથી ભવિષ્યમાં પણ પાર્કિંગનો પ્રશ્ન ઉભો થશે નહીં. જૂનાગઢના વિકાસ માટે રોપ-વે પ્રોજેક્ટ ખૂબ મહત્વનો છે, તેમાં સૌ સહયોગી થયા તે પ્રત્યે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

કાર્યક્રમમાં મેયર સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યાં
ગુજરાત પ્રવાસન વિભાગ આ સાથે પ્રવાસીઓની સુવિધામાં ઉત્તરોતર વધારો કરવાના તબક્કાવાર સફળતાપૂર્વક આયોજનો કરીને રહ્યું છે. જુનાગઢના ગિરનાર ખાતે ડોલીવાળાઓની સુવિધા પુરી પાડીને તેમની રોજગારીની તકો વધે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વિકાસકાર્યો આજે જવાહર ચાવડાના હસ્તે ખાતમૂહુર્ત સાથે શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મેયર સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યાં હતાં. આમ ગિરનારના ડોલીવાળાઓને વૈકલ્પિક રોજગારી પ્રાપ્ત થાય તે હેતુથી રૂ.1 કરોડના ખર્ચે 104 દુકાનો અને તેને સંલગ્ન પાયાની સુવિધાઓ ઉભું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગિરનાર રોપ વેનું કાર્ય પણ ચાલુ
કોરોના વાઈરસને કારણે લોકડાઉનમાં ગિરનાર રોપ વેનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ લોકડાઉન બાદ ફરી આ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.ગિરનાર રોપનું કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થવાના આરે છે. રોપ વેનું કામ પૂરૂ થતા જ ફરવા આવતા લોકોની સંખ્યા વધે તેવી શક્યતા છે.
(અતુલ મહેતા-જૂનાગઢ)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી