જૂનાગઢમાં કેટલાક દિવસોના વિરામ બાદ ફરી મેઘરાજાએ હેત વરસાવ્યું છે. જૂનાગઢમાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. શહેરમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. ખાસ કરીને જોષી પરા, આઝાદ ચોક, તળાવ દરવાજા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
મગફળી, કપાસ સહિતના પાકોમાં ફાયદો
જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે મુખ્ય પાકો મગફળી, કપાસ અને સોયાબીનને ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ઘણા દિવસ બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જિલ્લામાં વરસાદી માહોલ બનતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
પ્રથમ રાઉન્ડમાં 18 થી 20 ઇંચ વરસાદ વરસ્યો હતો
જૂનાગઢમાં મેઘરાજાએ પ્રથમ ઈંનિગ્સમાં ધોધમાર હેત વરસાવતા મોટાભાગના ડેમોમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. અનેક ડેમો ઓવરફ્લો થવાની સ્થિતિ સુધી પણ પહોંચી ગયા હતા. જિલ્લાના આણંદપુર સહિતના અન્ય ડેમોમાં દરવાજા ખોલવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી. પ્રથમ રાઉન્ડમાં મેઘરાજાએ જૂનાગઢ જિલ્લામાં 18 થી 20 ઇંચ જેટલો વરસાદ વરસાવીને જૂનાગઢને તરબોળ કરી દીધું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.