રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ શનિવારે સવારે જૂનાગઢમાં અને બપોર બાદ કેશોદમાં યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ અંગે મળતી વિગત મુુજબ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સ્થિત સરદાર પટેલ સ્મૃતિ ભવનમાં સવારે 10 વાગ્યે ખેડૂત મહિલા ઉત્કર્ષ શિબીર યોજાશે. ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રી સંબોધન કરશે.
આ શિબીરમાં 3,000થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહેનાર હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલે જણાવ્યું છે. શિબીર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાત લેશે અને સંગઠનના હોદ્દેદારો સાથે ટિફીન બેઠક કરી ભોજન પણ લેશે. જ્યારે બપોરના 2 વાગ્યે કેશોદ એરપોર્ટે પહોંચી કેશોદ -મુંબઇ વિમાની સેવાના ઉદ્ધાટનમાં ઉપસ્થિત રહેશે.
સીએમનો મિનીટ ટુ મિનીટનો કાર્યક્રમ
સવારે 9:40 વાગ્યે હેલીકોપ્ટર દ્વારા સુરેન્દ્રનગરથી જૂનાગઢ આવવા નિકળશે. સવારે 10:35 એ જૂનાગઢ હેલીપેડ પર ઉતરશે. 10:45 એ સરદાર પટેલ સભાગૃહ કૃષિ યુનિવર્સિટીમાં મહિલા ખેડૂત ઉત્કર્ષ શિબીરમાં ઉપસ્થિત રહેશે. સવારે 11: 45 વાગ્યે રવાના થઇ 12 વાગ્યે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મિટીંગમાં ઉપસ્થિત રહેશે. બાદમાં 1 વાગ્યે ભોજન કરી, 1:30 વાગ્યે ભાજપ કાર્યાલય અને 1:35 વાગ્યે જૂનાગઢ હેલીપેડ ખાતેથી હેલીકોપ્ટર દ્વારા કેશોદ જવા રવાના થશે. બપોરના 1:55 વાગ્યે કેશોદ પહોંચશે અને 2 વાગ્યે કેશોદ- મુંબઇ વિમાની સેવાના ઉદ્ધાટનમાં ઉપસ્થિત રહેશે. જ્યારે 3:30 વાગ્યે કેશોદથી હેલીકોપ્ટર દ્વારા અમદાવાદ જવા રવાના થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.