ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે તમામ પક્ષોએ ચૂંટણી જીતવા એડિંચોટીનું જોર લગાવી રહી છે. મતદારોને રીઝવવા ઉમેદવારો પક્ષના સ્ટાર પ્રચારકોથી લઇ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પ્રચાર માટે મેદાને ઉતારી રહ્યા છે, ત્યારે માણાવદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માણાવદર વિધાનસભાના ઉમેદવાર જવાહર ચાવડાના સમર્થનમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યાં છે. મુખ્યમંત્રી માણાવદરમાં આવી પહોંચતા ભાજપની જિલ્લા ટીમ, તાલુકા ટીમ અને ભાજપના કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું. મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની પાણી સમસ્યાને જાકારો મળ્યો છે. ઘર-ઘર પાણી પહોંચ્યું છે.
દરેક જિલ્લામાં વિકાસ કાર્યો થયા છેઃ ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભાજપ લોકોની વચ્ચે રહી કામગીરી કરવામાં માને છે. તેથી જ લોકોને ભાજપ પર ભરોસો છે. વિકાસની રાજનિતીના પરિણામ આપણે જોઈ રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીએ હંમેશા ખેડૂતોને કેન્દ્રીય સ્થાને રાખ્યા છે. ખેડૂતો માટે હર હંમેશ ભારતીય જનતા પાર્ટીએ પૂરી તૈયારી દર્શાવી છે અને ખેડૂતોને મદદરૂપ થવા તત્પર રહી છે. ભારતીય જનતા પાર્ટી પાણીની પરિસ્થિતિને પહોંચી વળવા હંમેશા અગ્રેસર રહી છે. પહેલા જ્યારે પાણીની કપરી પરિસ્થિતિ હતી ત્યારે ટ્રેન દ્વારા પાણી મોકલાતું હતું ટેન્કરો દ્વારા પાણી મોકલાતું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકોના ઘર સુધી પાણી પહોંચાડ્યું છે. સૌરાષ્ટ્રની પાણી સમસ્યાને જાકારો મળ્યો છે. ઘર-ઘર પાણી પહોંચ્યું છે. તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યવસ્થા કરી છે. દરેક જિલ્લામાં વિકાસ કાર્યો થયા છે.
કોવિડ પછી સૌથી મોટામાં મોટું બજેટ ગુજરાત સરકારે આ વખતે આપ્યુંઃ ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, કોરોના કાળમાં પોતાના સગા મા-બાપને પણ અગ્નિ સંસ્કાર કરવાનું છોડી દીધું હતું, સરકાર કે વહિવટી તંત્ર જ અગ્નિ સંસ્કાર કરતા હતા. તેવા સમયે પણ ભાજપના કાર્યકરોએ સેવા કરવાનું કામ કર્યું હતું. કોવિડમાં આર્થીક રીતે પણ સરકારે મદદ કરી છે. કોવિડ પછી સૌથી મોટામાં મોટું બજેટ ગુજરાત સરકારે આ વખતે આપ્યું છે. એટલું જ નહીં સૌથી મોટું બજેટ આપ્યાં પછી પણ ભારત સરકારના નિતિ આયોગ પ્રમાણે નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર વન પ્રોઝિશનમાં છે અને આજે પણ છે. તેમજ વધુમાં જણાવ્યું કે, ઉમેદવાર જવાહર ચાવડાને તમે મોટા અંતરથી જીતાડો. તમે જે વિશ્વાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર અને ભાજપ ઉપર રાખ્યો છે તે જ વિશ્વાસ અમે ટકાવી રાખ્યો છે અને અમે એ વિશ્વાસ તમારો ડગવા નહિં દઈએ અને તમે જવાહરભાઈને આખા ગુજરાતમાં નંબર વનની લીડથી જીતાડજો.
જવાહર ચાવડાએ એક લાખ મતથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
જવાહર ચાવડાએ જણાવ્યું કે, અમે એક સભા કરવા ગયા ત્યારે ગામડાના એક વડીલે કહ્યું હતું કે, જવાહર ભાઈ જ્યારે તમે કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા હતા ત્યારે તમારી સામે ચૂંટણી લડનારાઓ તો અત્યારે તમારા સાથે છે અને તમારા સમર્થનમાં છે તો હવે શું કામ ખોટી ભાગદોડ કરો છો. ત્યારે મેં કહ્યું હતું કે મારે મતની ભૂખ છે માત્ર જીતવું નથી પરંતુ એક લાખ મતથી જીતવું છે. મારા મતવિસ્તારમાં મેં કરેલા કામો અને મેં કરેલી મહેનત મત સ્વરૂપે જમા થાય ત્યારે ત્યારે જ મારું પેટ ભરાશે. વધુમાં જણાવ્યું કે, મારા વિસ્તારના ગામડે ગામડા સાથે રાજ માર્ગો જોડાઈ જાય તેવી મારી લાગણી છે. તેમજ ખેડૂતો માટે કહ્યું કે, આપડા કોઈ ખેડૂતને રાત્રે ખેતરમાં ન જાવું પડે તેવી વ્યવસ્થા કરવાનો મારો નિર્ણય છે મારો સંકલ્પ છે.
ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર ગણાતા અગ્રણીઓથી લઇ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં સભામાં ઉપસ્થિત રહ્યાં હતા. 2022 વિધાનસભામાં ત્રીપાંખીયો જંગ જામ્યો છે. માણાવદર બેઠક પર આહીર સમાજના બે યોદ્ધાઓ મેદાને ઉતર્યા છે જેમાં આમ આદમી પાર્ટીએ આહિર સમાજના કરશન ભાદરકાને ટિકિટ આપી છે તો ભારતીય જનતા પાર્ટીએ આહિર સમાજના જવાહર ચાવડાને ઉમેદવારી નોંધાવી છે. જોકે, કોંગ્રેસે કડવા પટેલ સમાજના અરવિંદ લાડાણીને ટિકિટ આપી છે. જવાહર ચાવડા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.