સોમનાથ નજીકના દરિયા કિનારે એક પરિણીતાએ કૌટુંબીક ઝગડાથી કંટાળી જીવનનો અંત લાવવા દરિયામાં ઝંપલાવ્યું હતું. જોકે, ગીર સોમનાથ જિલ્લા પોલીસના જાંબાઝ પોલીસ કર્મીએ સાહસિકતા અને સમય સુચકતા બતાવી મહિલાનો જીવ બચાવી લીધો હતો. આમ, ખાખીની સંવેદનશીલતા સામે આવતા લોકોએ બિરદાવી આવકારી હતી.
પોલીસ કર્મીએ દરીયામાં કુદી મહિલાને બચાવી
આ ઘટનાને લઈ એએસપી ઓમપ્રકાશ જાટે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, ગઇકાલે સાંજે ચાર વાગ્યે એક જાગૃત નાગરીકે પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે, એક મહીલા સોમનાથ મંદિરની પાછળના સમુદ્રમાં પડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી છે. જે માહિતીને લઇ તુરંત જ ટાઉન બીટ પો.હે.કોન્સ. મનોજગીરીએ સ્થળ પર દોડી જઈ દરીયામાં મહીલાને જોઈ તુરંત જ પોતે દરીયામાં કુદી મહીલાને બહાર કાઢી હતી. જે બાદ પોલીસ વાનમાં સ્ટેશન ખાતે લઇ આવ્યાં હતા. જયાં મહીલા કોન્સ. ભગવતીબેન, મહેન્દ્રભાઇ ભર્ગાની હાજરીમાં મહિલાને આત્મહત્યા કરવાનું કારણ પુછતા કૌટુંબીક ઝગડો હોવાને લીધે માનસીક ટેન્શનમાં હોવાથી જીંદગીથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું.
મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું
વધુમાં જણાવ્યું કે, પોલીસકર્મીઓએ આ મહિલા સાથે વાતચીત કરી અનમોલ જીવનનું મહત્વ સમજાવી ટેન્શનમાંથી બહાર લાવવા પ્રયત્ન કર્યો હતો. બાદમાં તેણીના કૌટુંબીક ઝગડાનું નિરાકરણ તેમના કૌટુંબીક સભ્યોની હાજરીમા કરાવી પરીવાર સાથે મિલન કરાવ્યું હતું.
સામાન્ય સંજોગોમાં પોલીસની જવાબદારી કાયદો વ્યવસ્થાની સુચારૂ જાળવણીની હોય છે પરંતુ પોલીસ વિભાગ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે પણ હમેંશા તત્પર રહે છે તે વાતને સોમનાથના પોલીસ કર્મચારી મનોજગીરી ગોસ્વામીએ ચરિતાર્થ કરી બતાવી છે. જો ગઈકાલે સોમનાથના સમુદ્રમાં બનેલી ઘટનામાં પોલીસ કર્મચારી થોડો સમય પણ વિલંબ કરત તો અઘટિત ઘટના બની જાત.
પોલીસકર્મીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું
પોલીસકર્મી મનોજગીરીને આ ઘટના બાબતે પુછતા તેઓએ જણાવ્યું કે, ગુજરાત પોલીસની નેમ છે નાગરિકોની સેવા સુરક્ષા અને શાંતિ... માટે પોતે જાનની પરવાહ કર્યા વગર પોતાની ફરજને પ્રથમ પ્રાધાન્ય આપી મહિલાનો જીવ બચાવ્યો છે. આમ પોલીસકર્મીએ માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડવાની સાથે પ્રશંસનીય કામગીરી કરી હોય જેને સર્વત્ર આવકારી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.