હવામાન:ગાજવીજ સાથે મેઘાની પઘરામણી : 1 ઇંચ વરસાદ

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભર ભાદરવે અષાઢ જેવો માહોલ જામ્યો: બપોર સુધી તડકો રહ્યા બાદ મેઘરાજા તૂટી પડ્યા
  • શહેરના અનેક માર્ગો પર પાણી દોડવા લાગ્યા, ગણેશ મહોત્સવના આયોજનમાં વરસાદથી મુશ્કેલી વધી

જૂનાગઢ શહેરમાં મેઘરાજાએ અચાનક પઘરામણી કરી 1 ઇંચ જેવું હેત વરસાવી દીધું હતું. પરિણામે શહેરના માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા. શહેરમાં બપોર સુધી તો તડકો રહ્યો હતો. જ્યારે સાંજના 6 વાગ્યાથી વરસાદી વાતાવરણ બન્યું હતું અને બાદમાં વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ખાસ તો ભર ભાદરવે અષાઢી માહોલ જામ્યો હતો. આંખો અંજાઇ જાય તેવા વિજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે તુફાની પવનની સાથે મેઘરાજાએ ભારે જમાવટ કરી હતી. માત્ર થોડા સમયમાં જ ધુંઆધાર બેટીંગ કરીને મેઘરાજાએ 1 ઇંચ જેવું હેત વરસાવી દીધું હતું.

પરિણામે શહેરના અનેક માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા. અચાનક મેઘરાજાની એન્ટ્રી થતા અનેક લોકો ઉંઘતા ઝડપાઇ ગયા હતા અને ના છૂટકે વરસાદમાં ભીંજાવું પડ્યું હતું. રેઇનકોટ વિના જ કામકાજ અર્થે બહાર નિકળેલા લોકોને વરસાદથી બચવા માટે દુકાનોના છાપરાનો સહારો લેવાની ફરજ પડી હતી. અંદાજે એકાદ કલાક સુધી મેઘરાજાની પધરામણી થતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું.ખાસ કરીને ગણેશ મહોત્સવનું આયોજન કરનારાને ભારે વરસાદના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પંડાલોમાં પાણી ઘુંસી ગયા હતા જેને કાઢવાની તસ્દી ઉઠાવવી પડી હતી.

મનપાએ કામ શરૂ કર્યું ને વરસાદ આવ્યો!
લોકોમાં એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે, અનેક રજૂઆત છત્તાં રસ્તા રિપેર થતા ન હતા. બાદમાં રસ્તા મામલે આંદોલન થતા જ મહાનગરપાલિકાએ રાતોરાત રસ્તાના રિપેરીંગના કામ શરૂ કરવા પડ્યા હતા. જોકે, મનપાએ કામ શરૂ કર્યું ને વરસાદ આવ્યો! પરિણામે રસ્તા રિપેરીંગના કામો ફરી ઠપ્પ થઇ જશે.

રસ્તાના ખાડા ફરી ધોવાયા
મહાનગરપાલિકા દ્વારા રસ્તાના ખાડા બૂરવામાં આવ્યા હતા. પરંતુ વરસાદના કારણે રસ્તાના ખાડાનું ફરી ધોવાણ થઇ ગયું હતું. પરિણામે લોકોને ખાડાનો સામનો કરવો પડશે.

ધૂળની ડમરીથી છૂટકારો મળ્યો
શહેરના માર્ગો પર ખાડા બૂરવા માટે કાંકરી, માટી નાંખવામાં આવી છે. જ્યારે વાહનો પસાર થાય ત્યારે ધૂળની ડમરી ઉડે છે જેથી ખાસ કરીને ટુવ્હિલ ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હવે વરસાદ પડતા ધૂળની ડમરીથી કમસે કમ 2 દિવસ તો છૂટકારો મળશે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...