જગવિખ્યાત પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યે વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કલેક્ટર સહિત ત્રણેક હજાર યોગ વિશારદ બાળકો, યુવાઓ ઉત્સાહભેર યોગ નિદર્શન કરી જોડાયા હતા. સોમનાથના સાંનિધ્યે પદ્મશ્રી યોગાચાર્યએ યોગ કરાવ્યા હતા.
ત્રણેક હજાર લોકોએ યોગ કર્યા
આજે 21 જૂન એટલે કે આઠમા વિશ્વ યોગ દિવસની વિશ્વભરમાં શાનદાર ઉજવણી થઈ રહી છે. ત્યારે દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરના સાંનિધ્યમાં સમુદ્ર તટે યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યોગચાર્ય પદ્મશ્રી ડો. ભારત ભૂષણ અને યોગગુરૂ આચાર્યા પ્રતિષ્ઠાજી દ્વારા ત્રણ હજારથી વધુ લોકોને યોગ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. આ યોગ નિદર્શન કાર્યક્રમમાં રાજ્ય મંત્રી દેવાભાઈ માલમ, જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ સહિત જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ બહોળી સંખ્યામાં જોડાઈ યોગ કર્યા હતા. આજની યોગ દિવસની ઉજવણીને લઈ લોકોમાં અનેરો રોમાંચ જોવા મળ્યો હતો.
યોગ થકી વિશ્વમાં ભારત તરફી મિત્રતાનો ભાવ
આ તકે યોગાચાર્ય પદ્મશ્રી ડો.ભારત ભૂષણજીએ જણાવ્યું હતું કે, સોમનાથ એક એવું સ્થાન છે કે જ્યાં કોઈપણ વ્યક્તિ નતમસ્તક થઈ સર્વોચ્ચ સ્થાન સાથે પ્રાર્થના કરી દિવ્ય શક્તિ પ્રાપ્ત કરવાની અનુભૂતિ કરી શકે છે. આજના દિવસે વિશ્વમાં યોગના ઉદય સાથે વિશ્વમાં ભારત તરફી મિત્રતાનો ભાવ પણ વધી રહ્યો છે. જે આપણા માટે ગર્વની વાત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.