રિસોર્ટમાં દારૂની મહેફિલ:તાલાલા ગીરના ચિત્રોડમાં આવેલા રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા રાજકોટના ત્રણ શખ્સો ઝડપાયા

ગીર સોમનાથ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહેફીલ માણતા પકડાયેલ ત્રણેય શખ્સો - Divya Bhaskar
મહેફીલ માણતા પકડાયેલ ત્રણેય શખ્સો
  • પોલીસની કાર્યવાહી દરમિયાન રિસોર્ટનો સંચાલક નાસી જવામાં સફળ રહ્યો
  • ગીર પંથકમાં અનેક રિસોર્ટમાં મહેફીલ જામતી હોવાની લોકોમાં વ્યાપક ચર્ચા

ગીર સોમનાથના તાલાલા ગીર તાલુકાના ચિત્રોડ ગીર ગામે ગીચ જંગલમાં આવેલા કિનારા રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા રાજકોટના ત્રણ શખ્સોને જિલ્લા એલસીબીની ટીમે દારૂના ચેકીંગ દરમિયાન ઝડપી લીધા હતા. જોકે, રિસોર્ટનો સંચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો. આ મામલે પોલીસે રિસોર્ટના સંચાલક સહિત રાજકોટના ત્રણ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાલાલા ગીર પંથકમાં જંગલ આસપાસના ગામોમાં આવેલા અનેક રિસોર્ટમાં દારૂની મહેફીલો થતી હોવાની વ્યાપક ચર્ચા વચ્ચે પોલીસે થોડા દિવસોથી ફાર્મ-હાઉસોમાં ચેકીંગ હાથ ધર્યુ છે. આ દરમિયાન ગઈકાલે તાલાલા તાલુકાના ચિત્રોડ ગામના જંગલ વિસ્તારમાં આવેલ કિનારા રિસોર્ટમાં દારૂની મહેફીલ જામી હોવાની મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબી પીએસઆઈ કે.જે. ચૌહાણએ સ્ટાફના નરેન્દ્ર કછોટ, એ.જી.પરમાર સહિતનાએ રીસોર્ટ ખાતે પહોંચી ચેકિંગ કરતા રૂમ નં.106માં દારૂની મહેફીલ માણતા ડેનીસ રાજેશ લીલા(રહે.મહુડી, ગુરૂદેવ પાર્ક સોસાયટી-રાજકોટ), વિવેક ચંદુભાઈ રૈયાણી (રહે. કોઠારીયા- શિવમપાર્ક-1, રાજકોટ), રૂપેશ વિરજી પીપડીયા (રહે.ગુરૂદેવ પાર્ક-1, રાજકોટ)વાળાને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન કિનારા રિસોર્ટનો સંચાલક નાસી ગયો હતો.

એલસીબીની ટીમે સ્થળ ઉપરથી વિદેશી દારૂની બોટલ, ચાર મોબાઇલ, કાળા કલરની ફોર્ડ ઈકો સ્પોર્ટ મોટર કાર સહિત કુલ રૂ.4.40 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી આગળની તપાસ તાલાલા પોલીસે હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે, તાલાલા ગીર પંથકના જૂદા જૂદા ગામોમાં આવેલ રિસોર્ટ-ફાર્મ હાઉસોમાં બેરોકટોક દારૂની મહેફીલો ચાલતી હોવાની વ્યાપક ચર્ચાઓ બાદ થોડા દિવસોથી જિલ્લા પોલીસે આવા ફાર્મ હોઉસો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દારૂ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ ડામી દેવા કમર કસી છે. જેમાં છેલ્લા થોડા દિવસોમાં મેંદરડા, તાલાલા અને સાસણ આસપાસના ઘણા રિસોર્ટ-ફાર્મ હાઉસોમાંથી મહેફ્લ પર દરોડા પાડી લોકોને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. જેને લઈ રિસોર્ટ સંચાલકોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...