માણાવદર પંથકમાં મેઘમહેર:બાંટવાનો ખારો ડેમ ભરાઈ જતા ત્રણ દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા, હેઠવાસના ગામોને એલર્ટ કરાયા

જુનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માણાવદર પંથકમાં ગણતરીના દિવસોમાં 23 ઈંચ વરસાદ વરસ્યો

જૂનાગઢ જિલ્લાના માણાવદર પંથક ઉપર ચાલુ વર્ષે જાણે મેઘરાજા મહેરબાન હોય તેમ ચોમાસાની શરૂઆતના પ્રથમ રાઉન્ડમાં જ છેલ્લા થોડા દિવસોથી અનરાધાર વરસાદ વરસાવી રહ્યા છે. પ્રથમ રાઉન્ડના ગણતરીના દિવસોમાં જ માણાવદર શહેર-પંથકમાં 562 મીમી (23 ઈંચ) જેવો ભારે વરસાદ વરસાવી દીધો છે. જે માણાવદર પંથકની સરેરાશનો 65 % ટકા જેટલો થાય છે. ત્યારે આ પ્રથમ રાઉન્ડમાં વરસેલ ભારે વરસાદના પગલે પંથકની જરૂરીયાત પુરી કરતો ડેમ છલોછલ ભરાઈ જતા પંથકવાસી ઓમાં ખુશીની લહેર પ્રસરી છે. આ ડેમ ભરાઈ જતા આજે ત્રણ દરવાજા ખોલવાની તંત્રને ફરજ પડી હતી.

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સતત વરસી રહેલા વરસાદના પગલે પંથકનો બાંટવા નજીક આવેલ ખારો ડેમમાં ભરપુર પાણીની આવક થતા ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. ખારો ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતાં હાલ ત્રણ દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. ડેમનું રૂરલ લેવલ 16 મીટર જાળવવા માટે દરવાજા ખોલવામાં આવ્યા હોવાનું જણાવેલ છે. અને જો ઉપરવાસમાંથી પાણીની વધારે માત્રામાં આવક થશે તો જરૂર પડયે વધારે દરવાજા ખોલવામાં આવશે. જેને ધ્યાને લઈ ડેમ હેઠળ નીચાણવાસમાં આવતાં ગામોમાં તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યુ છે. જેમાં માણાવદર તાલુકાના ભલગામ, કોડવાવ, સમેગા અને એકલેરા તથા કુતિયાણા તાલુકાના તરખાઈ, ધરસન, ગઢવાણા અને રેવદ્રા ગામના લોકોને તંત્ર દ્વારા એલર્ટ આપી નદીના પટમાં અવરજવર નહીં કરવાની સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...