કાર્યવાહી:40 કરોડથી વધુનું ફૂલેકું ફેરવનાર ત્રણ ભાઇઓ સુરતથી ઝડપાયા

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 ને બી ડિવીઝન, 1 ને માળીયા પોલીસ હવાલે કર્યાની ચર્ચા

40 કરોડથી વધુનું ફૂલેકું ફેરવી છેલ્લા 3 વર્ષથી ભૂર્ગભમાં ઉતરી ગયેલા જૂનાગઢના 3 ભાઇઓની ત્રિપુટીને પોલીસે સુરતથી દબોચી લીધા છે. આમાંથી 2 ભાઇઓને બી ડિવીઝન પોલીસ સ્ટેશન અને 1ને માળીયા હાટીના પોલીસ સ્ટેશન હવાલે કર્યાની શહેરમાં જોરદાર ચર્ચાઓ થઇ રહી છે. જૂનાગઢમાં મધુવન ગોલ્ડ આર્ટ અને શ્રીજી ગોલ્ડ નામની ભાગીદારી પેઢી સોનાના દાગીના બનાવી વેંચવાનો કારોબાર કરતી હતી. દરમિયાન તેમના ભાગીદારો શ્યામ વિનોદરાય પાટડીયા અને લાડલેશ વિનોદ પાટીડીયાએ કચ્છના ગુંદાળામાં પ્લોટ વેંચાણના નામે છેતરપિંડી કરી હતી.

આ મામલે મોટુમલ હાસારામ રીઝવાણીએ બી ડિવીઝનમાં છેતરપિંડીની ફરિયાદ પણ લખાવી હતી. દરમિયાન આરોપીઓએ માળીયા, રાજકોટમાં પણ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. આમ, 40 કરોડથી વધુનું ફૂલેકું ફેરવી આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.જોકે, આરોપી સામે કોર્ટે ઘરપકડના વોરન્ટ પણ ઇશ્યુ કર્યા હતા.

દરમિયાન જૂનાગઢ પોલીસે આરોપીઓને સુરતથી દબોચી લીધા હોવાની શહેરભરમાં ચર્ચા થઇ રહી છે. આમાંથી લાડલેશ વિનોદરાય પાટડીયા અને ભાગ્યેશ વિનોદરાય પાટડીયાને બી ડિવીઝન પોલીસ સ્ટેશન હવાલે તેમજ શ્યામ વિનોદરાય પાટીડીયાને માળીયા હાટીના પોલીસ સ્ટેશન હવાલે કર્યા હોવાની પણ ચર્ચા થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...