અન્ય યુવતિ સાથેના સબંધોનો ભાંડો ફૂટવા છત્તાં મધુરમની યુવતિને લીવ ઇન રિલેશનશીપ કેન્સલ ન કરી કેસ કરવાની ધમકી આપનાર અમદાવાદનો યુવાન જૂનાગઢ પોલીસની સમજાવટથી લીવ ઇન રિલેશનશીપ કેન્સલ કરવા સહમત બન્યો હતો. આ અંગે મળતી વિગત મુજબ મધુરમમાં રહેતી અને કેન્દ્ર સરકારમાં નોકરી કરતી યુવતિને પોતાના જ સમાજના અમદાવાદના એન્જીનિયર સાથે પ્રેમ થઇ જતા લીવ ઇન રિલેશનશીપમાં અમદાવાદ રહેતી હતી. જોકે, એકાદ વર્ષ બાદ જાણવા મળ્યું કે યુવકને અન્ય યુવતિઓ સાથે પણ સબંધ છે.
આ મામલે માથાકૂટ થતા યુવતિ મધુરમમાં માતા,પિતા સાથે રહેવા આવતી રહી હતી. દરમિયાન ઘરની ચાવી પોતાની પાસે હોય એક વખત યુવકની ગેરહાજરીમાં અમદાવાદ ઘરે જતા અન્ય યુવતિના કપડાં,તેની સાથે કરેલ લગ્ન સર્ટિફિકેટ મળી આવતા યુવતિ તે લઇ મધુરમ આવી હતી.બાદમાં લીવ ઇન રિલેશનશીપ કેન્સલ કરવાનું કહેતા યુવકે લીવ ઇન રિલેશનશીપ કેન્સલ કરવાની ના પાડી, યુવતિ સરકારી નોકરી કરતી હોય કેસ કરી ફસાવી દેવાની ધમકી આપતો હતો. આવું થાય તો પોતાની નોકરી જાય તે ડરે યુવતિએ ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો.
દરમિયાન રેન્જ ડીઆઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ લોક કલ્યાણના કાર્યો કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કરવા જણાવ્યું હોય ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ કેસ હાથમાં લીધો હતો.
તેમણે સી ડિવીઝન પીએસઆઇ જે.જે. ગઢવી અને સ્ટાફને અમદાવાદ મોકલી યુવકને જૂનાગઢ બોલાવ્યો હતો. બાદમાં ગુનો નોંધવા અંગે પોલીસની ભાષામાં સમજાવતા અમદાવાદનો એન્જીનિયર યુવક લીવ ઇન રિલેશનશીપ કેન્સલ કરવા સહમત થયો હતો અને ઉભા ઉભ નોટરી કરી રાજીખુશીથી છૂટા પડવાનું લખાણ કરી આપ્યું હતું. એટલું જ નહિ હવે પછી આ બાબતે હેરાન ન કરવાની પણ ખાત્રી આપી હતી.દરમિયાન પોતાની જીંદગીને બચાવવા બદલ અરજદાર યુવતિ અને તેના પરિવારજનોએ પોલીસનો આભાર પ્રગટ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.