અંતે પરિક્રમા માટે શરતી મંજૂરી:લીલી પરિક્રમાને લઈ તંત્રએ કરેલો નિર્ણય બદલવામાં આવ્યો, હવે 400-400 લોકોના જૂથમાં પરિક્રમા કરી શકાશે

જૂનાગઢ19 દિવસ પહેલા
  • 14 થી 19 તારીખ સુધી પરિક્રમા કરવા માટે મંજૂરી આપવામા આવી
  • સામાન્ય લોકો માટે પ્રતિબંધ હોવા છતા હજારો લોકો જૂનાગઢ પહોંચ્યા હતા
  • શ્રદ્ધાળુઓની લાગણીને માન આપી તંત્ર દ્વારા મંજૂરી આપવામા આવી

કોરોનાના કારણે સતત બીજા વર્ષે સામાન્ય લોકો માટે ગીરનારની લીલી પરિક્રમા બંધ રાખવામા આવી હતી. તેમ છતા આજે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચી જતા હોબાળો મચ્યો હતો. તંત્ર દ્વારા પહેલા ફક્ત સાધુ-સંતો માટે પ્રતિકાત્મક પરિક્રમાને જ મંજૂરી આપવામા આવી હતી. પરંતુ, શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં રાખી અંતે સામાન્ય લોકોને પણ 400-400ના જૂથમાં પરિક્રમા કરવા માટેની મંજૂરી આપવામા આવતા શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી છવાઈ હતી.

પ્રતિબંધ હોવા છતા શ્રદ્ધાળુઓ પરિક્રમા માટે પહોંચ્યા હતા
જૂનાગઢમાં ગરવા ગીરનારના સાંનિઘ્‍યે વર્ષોથી યોજાતી લીલી પરિક્રમા ચાલુ વર્ષે કોરોનાની ગાઇડલાઇન મુજબ માત્ર 400 જેટલા સાઘુ-સંતો માટે સમિતિ પ્રતિકાત્‍મક રીતે કરવાની તંત્રએ છુટ આપી હતી. જેને લઇ શ્રઘ્‍ઘાળુઓમાં ભારોભાર રોષ પ્રર્વતેલ હતો. આજે મઘ્‍યરાત્રીથી લીલી પરીક્રમા શરૂ થાય તે પૂર્વે જ આજે સવારથી ગીરનાર તળેટી વિસ્‍તારમાં પરીક્રમાના રૂટ પર પ્રવેશવાના ઇટવા ગેઇટ પાસે દૂર દૂરથી આવી રહેલ શ્રઘ્‍ઘાળુઓ મોટી સંખ્યામાં એકત્ર થઇ રહ્યા હતા. બપોરના બારેક વાગ્‍યાથી પરિક્રમા કરવાની માંગ સાથે પરિક્રમાર્થીઓ સતત હોબાળો મચાવી રહ્યા હતા. જો કે, સ્‍થ‍િતિ વણસે નહીં તેને ઘ્‍યાને લઇ તંત્ર દ્રારા સ્‍થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને બહારની પોલીસ ભવનાથમાં બોલાવી બંદોબસ્‍ત તૈનાત કરવામાં આવ્‍યો હતો. લોકો કોઈપણ કાળે પરિક્રમા કરવા અડગ જોવા મળ્યા હતા. અંતે તંત્ર લોકોની લાગણીને ધ્યાન પર રાખી 400-400 લોકોના જૂથમાં પરિક્રમા કરવા માટે મંજૂરી આપી છે.

14 થી 19 તારીખ સુધી યાત્રિકો પરિક્રમા કરી શકશે
સામાન્ય લોકો માટે પરિક્રમા પર પ્રતિબંધ હોવા છતા આજે મોટી સંખ્યામાં લોકો જૂનાગઢ પહોંચી જતા તંત્ર દ્વારા તેનો નિર્ણય બદલવામા આવ્યો છે. તંત્રએ નિર્ણયમાં કરેલા ફેરફાર મુજબ માત્ર 400 ના બદલે 400-400 ના જૂથમાં પરિક્રમા કરી શકશે. શ્રધ્ધાળુઓ, ભાવિકો, સંસ્થા/સંગઠનોની રજુઆતો ધ્યાને લેતા તા.14/11/21 થી તા.19/11/21 ના સમયગાળા દરમ્યાન શ્રધ્ધાળુઓ- પરીક્રમાર્થીઓ કોવીડ–19 ની સરકારની વખતો–વખતી ગાઈડલાઈન મુજબ વધુમાં વધુ 400ની મર્યાદાના જૂથમાં તબકકાવાર તથા 400થી વધુ સંખ્યામાં કોઈ એક જગ્યાએ વ્યકિતઓ એકત્ર ન થાય તે રીતે કોવીડ–19 ની ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન કરવાની શરતે તથા જરૂરી વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે પરિક્રમા યોજી શકશે.

DCFની ગાડીનો ઘેરાવ કરવામા આવ્યો હતો
આજે સવારથી પરિક્રમાના રૂટ પર પ્રવેશવાના ઇટવા ગેટ પર શ્રઘ્‍ઘાળુઓ જમાવડો કરી બેસી ગયા છે. દરમિયાન બપોરના સમયે આ ગેટ પરથી વનવિભાગના ડીસીએફની ગાડી બહાર નિકળવા જતા તેને બહાર જતી શ્રઘ્‍ઘાળુઓએ રોકી અટકાવી દીઘી હતી અને અડધી કલાક સુધી ડીસીએફની ગાડીને પરિક્રમા ગેટની બહાર જવા ન દેતા ગાડી પરત લેવાની ફરજ પડી હતી. બાદમાં વનવિભાગના અધિકારી બીજા રસ્તેથી ગાડી લઇ રવાના થયા હતા.

તંત્રએ યુદ્ધના ધોરણે વ્યવસ્થા વધારવી પડશે
સામાન્ય રીતે ગીરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમા માટે તંત્ર દ્વારા પાણી, રસ્તા, મેડીકલ સહિતની સુવિધાઓ કરવામા આવતી હોય છે. સ્વભાવિક રીતે આ વર્ષે ફક્ત 400 લોકોને જ પરિક્રમા માટે મંજૂરી આપવામા આવી હતી જેથી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામા ના આવી હોય. પરંતુ, રહી રહીને મંજૂરી અપાતા હવે તંત્રએ યુદ્ધના ધોરણે કેટલીક પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવાની ફરજ પડશે. પોલીસે પણ સુરક્ષા બંદોબસ્ત વધારવો પડશે.

અન્ય સમાચારો પણ છે...