જૂનાગઢ શહેરમાંથી પસાર થતી રેલવેના સમયે ફાટક બંધ હોય ભારે ટ્રાફિક જામ થાય છે. જોકે, આ ટ્રાફિક જામ રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકોના કારણે થઇ રહ્યો હોવાનું જાણવા મળતા પોલીસ દ્વારા આવા વાહન ચાલકો સામે દંડથી લઇને વાહન ડિટેઇન સુધીની કાર્યવાહી હાથ ધરાઇ છે. પરિણામે આવા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે. જ્યારે ટ્રાફિકની સમસ્યાની હળવાશ મળતા શહેરીજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. આ અંગે મળતી વિગત મુજબ શહેરમાં 7 રેલવે ફાટક આવેલા છે.
એમાં વૈભવ ફાટક, ભૂતનાથ ફાટક,જોષીપરા ફાટક અને ખલીલપુર ફાટકે જ્યારે ટ્રેન પસાર થાય છે ત્યારે ભારે ટ્રાફિક જામ સર્જાય છે. ત્યારે આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, ટ્રેન આવવાના સમયે ફાટક બંધ હોય ત્યારે કેટલાક વાહન ચાલકો રોંગ સાઇડમાં ઘુંસી આવે છે જેના કારણે ટ્રાફિક સમસ્યા વકરી છે. બાદમાં ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ટ્રાફિક શાખાના પીએસઆઇ પી.જે. બોદર અને સ્ટાફ તેમજ ટીઆરપી જવાનોને ફાટકની બન્ને સાઇડમાં ગોઠવી દેવાયા છે.
આવા સમયે રોંગ સાઇડમાં ઘુંસી જતા વાહન ચાલકોને અટકાવી દંડ ફટકારી તેમજ વાહન ડિટેઇન સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની આ કામગીરીથી રોંગ સાઇડમાં ઘુંસી જતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આવા વાહન ચાલકોને હવે લાઇનમાં જ રહેવા અને લાઇન ન તોડવાનું જ્ઞાન આવી ગયું છે. પરિણામે રેલવે ફાટક પર થતી ટ્રાફિક સમસ્યાને નિવારવામાં પોલીસને મહદ્દઅંશે સફળતા મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.