તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:તરસ પછી તરબોળ ધરા, સોરઠમાં ભારે વરસાદ

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરમાં બે ઇંચ અને ગિરનારમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં કાળવા અને દામોદરકુંડમાં પુર આવ્યું હતું. - Divya Bhaskar
જૂનાગઢ શહેરમાં બે ઇંચ અને ગિરનારમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં કાળવા અને દામોદરકુંડમાં પુર આવ્યું હતું.
  • સુત્રાપાડામાં 10, વેરાવળમાં 6, ગડુમાં 5, ધામળેજમાં 4, માણાવદરમાં 2, ઊના અને ગીરગઢડામાં 2, જૂનાગઢમાં 2 ઇંચ વરસાદ

વરૂણદેવે લાંબા વિરામ બાદ મન મુકીને સોરઠ પર હેત વરસાવ્યું હતું અને તરસી ધરાને તરબોળ કરી મુકી હતી. ગીર-સોમનાથ જિલ્લામાં વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર પંથકમાં સારો વરસાદ પડી જવા પામ્યો હતો. ત્યારે જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ શહેર સહિત માંગરોળમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. ગીર- સોમનાથ જિલ્લાના મુખ્ય મથક એવા વેરાવળમાં વહેલી સવારથી વરસાદી માહોલ બંધાયો હતો, જે બપોરબાદ સુધી સતત વરસતો રહ્યો હતો અને કુલ 6 ઇંચથી વધુ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે નેશનલ હાઇવેની એક સાઇડ બંધ કરી દેવામાં આવી હતી અને પાણી ભરાઇ જતાં હાઇવે પરના ડિવાઇડરને તોડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ જ રીતે વેરાવળથી તાલાલા હાઇવે ઉપર પણ પાણી ભરાઇ જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો.

ભારે વરસાદ પગલે વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પણ પાણીમાં ગરક થઇ ગયા હતાં. ભાલકા નદીમાં પુર આવતા પુરના પાણી સોસાયટી અને મકાનોમાં ધુસી ગયા હતાં.વરસાદને પગલે વેરાવળ શહેરનાં જનજીવન પર ભારે અસર પહોંચી હતી. કોડીનાર માં પણ 12 કલાકમાં સાડા ત્રણ ઇંચ જેવો વરસાદ પડી જતાં શહેરના માર્ગો પર પાણી ભરાયા હતાં.

સુત્રાપાડા પંથકમાં ગીર-સોમનાથ જિલ્લાનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં સોમવાર રાત્રીના 2 વાગ્યાથી મંગળવારના સાંજના 4 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ પડી ગયો હતો. તેમજ ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ પડી જતાં ખેડૂતોના મોલને પણ જીવંતદાન મળી ગયુ છે. આમ, સારા વરસાદને લઇ લોકો અને ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. જ્યારે દરિયામાં પણ કરંટ જોવા મળ્યો હતો.

માંગરોળમાં સોમવારે દિવસભર અસહ્ય બફારા બાદ આજે વહેલી સવારથી જ વિજળી અને વાદળોના કડાકા ભડાકા સાથે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. સવારે 6થી8 દરમિયાન ચારેક ઈંચ વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. ઉપરવાસમાં પણ વરસાદને લીધે લંબોરા ડેમ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો હતો. કામનાથની નોળી નદીમાં પૂર આવ્યું હતું. માંગરોળથી લંબોરા, વિરપુર, ચોટીલીવીડી, શેખપુર, સકરાણા, જુથળ સહિતના ગામોને જોડતા કામનાથ નજીક આવેલા કોઝવે પરથી પુષ્કળ પ્રમાણમાં પાણી વહેતા સવારથી જ વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.

કેશોદ હાઈવે પર ભોયવાવ નજીક પણ ભારે પ્રમાણમાં પાણી આવતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માંગ્યા મેઘ વરસતા પંથકમાં મગફળીના પાકને જીવતદાન મળ્યું છે. મૌસમનો કુલ વરસાદ 23 ઈંચથી વધુ થયો છે. જયારે પ્રાચી પાસે માધવરાયજી મંદિરમાં ફરી વરસાદી પાણી ભરાયા.

રેસ્ક્યુ
જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર ભારે વરસાદનાં પગલે થોડી વારમાં જ નદી નાળાઓમાં પાણી લહાલવા માંડ્યા હતા. જેના ગલે દોલપરા પાસે વોંકળામાં એક પરિવાર ના પાંચ સભ્યો ફસાતા ફાયરની ટીમે રેસ્ક્યું કરી બહાર કાઢ્યા હતા. પાંચનાકા પાસે સોનરખમાં ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...