તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:સોરઠમાં શોભાયાત્રા નિકળશે, મટકી નહીં ફૂટે

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેશોદમાં શોભાયાત્રા અને મટકીફોડ, શહેર શણગારાયું - Divya Bhaskar
કેશોદમાં શોભાયાત્રા અને મટકીફોડ, શહેર શણગારાયું
  • જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાનાં કૃષ્ણજન્મોત્સવને લઇ તડામાર તૈયારીઓ : 8 તાલુકામાં શોભાયાત્રા નિકળશે, ગામડાઓમાં પણ તૈયારી

જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં જન્માષ્ટમીની ઉજવણી માટે ગામેગામ તૈયારીઓ ચાલી રહી છે. જોકે, આયોજકોએ કોરોના સામે સાવચેતી રહે એ પ્રકારે એક સાથે મોટા આયોજન કરવાને બદલે આખા શહેરોમાં નાના આયોજન કરવા પર ભાર મૂક્યો છે. જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના આઠ તાલુકાઓમાં શોભાયાત્રા નિકળશે. જોકે, શોભાયાત્રા દરમિયાન કોરોનાની ગાઇડ લાઇનનું પાલન થશે. તેમજ અનેક તાલુકાઓમાં શોભાયાત્રા દરમિયાન મટકી ફોડનાં કાર્યક્રમો નહીં થાય.

જૂનાગઢમાં શોભાયાત્રાને બદલે શહેર સુશોભન
જૂનાગઢમાં હરિ ઓમ ગૃપના ઉપક્રમે જન્માષ્ટમી ઉજવવા શોભાયાત્રાને બદલે 22 સ્થળે શહેર સુશોભન થશે. સાતમના દિવસે મયારામ આશ્રમે આખો બાળકોની વિવિધ સ્પર્ધા યોજાશે. આઠમના દિવસે રાત્રે 11:30 થી 12 લાલાની નગરચર્યા અને બાદમાં જન્મોત્સવની ઉજવણી કરાશે.

ઊનામાં જન્માષ્ટમીની શોભાયાત્રા નિકળશે
ઊના શહેરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વે શહેરમાં રામજી મંદિરેથી સવારે 9 વાગ્યે શોભાયાત્રા નિકળશે. જે શહેરના વિવિધ માર્ગો પર ફરશે. આ ઉપરાંત તાલુકાના ગામડાઓમાં મટકી ફોડના કાર્યક્રમ યોજાશે. ગામડાઓમાં પણ શેરીઓ શણગારાશે.

માળિયામાં ગાઇડલાઇન સાથે ઉજવણી કરાશે
માળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણ જન્મોત્સવ સમિતી દ્વારા સરકારની ગાઈડ લાઇન મુજબ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી થશે.

કોડીનારની શેરીઓમાં ફ્લોટ શણગારાશે
કોડીનાર શહેરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરાશે. શહેરમાં દર વર્ષની જેમ શેરીઓમાં અલગ અલગ ફ્લોટ્સ તૈયાર કરવામાં આવશે. સવારે ધૂન-ભજન સાથે શહેરમાં શોભાયાત્રા નિકળશે.

વિસાવદરમાં સ્વામી મંદિરથી રામજી મંદિર સુધી શોભાયાત્રા
વિસાવદરમાં વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે જન્માષ્ટમીના દિવસે બપોરે 2 વાગ્યે સ્વામિનારાયણ મંદિર જીવાપરાથી રામજી મંદિર સુધી શોભાયાત્રા નિકળશે. રાત્રે 12 વાગ્યે રામ મંદિરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે.

કેશોદમાં ધાર્મિક સંસ્થાઓના આગ્રહને ધ્યાને રાખી અગાઉઆ રૂટ પર શોભાયાત્રા નિકળશે. આ વખતે મટકીફોડને બદલે તમામ ચોકમાં મહાઆરતી થશે. શરદ ચોક હવેલી, નિલકંઠ મંદિર, મહેન્દ્રસિંહ ચોકને તોરણથી શણગારાયા છે.

તાલાલામાં મટકીફોડનું આયોજન
તાલાલામાં એક્તા ગૃપ દ્વારા સાસાણ રોડ પર આકર્ષક ફ્લોટ તૈયાર કરાયો છે. જન્માષ્ટમીએ અહીં રાત્રે પ્રસાદનું વિતરણ અને મટકીફોડના કાર્યક્રમ યોજાશે. બાલકૃષ્ણ હવેલી એન રામ મંદિરમાં પણ વિશેષ દર્શન થશે.

માંગરોળમાં મટકી ફોડી સાદી ઉજવણી થશે
માંગરોળમાં કોરોના મહામારીને ધ્યાનમાં લઈ જન્માષ્ટમીએ ગાય ચોગાનમાં સવારે 8 વાગ્યે માત્ર મટકી ફોડીને કૃષ્ણ જન્મોત્સવની સાદગીપૂર્ણ ઉજવણી થશે. ત્યારબાદ ઠાકોરજીનું પારણું અને વાસુદેવજીનો ટોપલો મટકીના રૂટ પર દર્શનાર્થે ફેરવાશે.

ભેંસાણમાં હવેલીએથી રથયાત્રા
ભેંસાણમાં કૃષ્ણ હવેલીથી રથયાત્રા કાઢવામાં આવશે. જે હરીપરા વિસ્તાર, મેઇન ચોક, ગાંધી ચોક, જીન પ્લોટમાં મઢુલી બનાવી ભગવાનની મૂર્તિ પધરાવાશે. રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ યોજાશે.

વંથલી અને શાપુરમાં શોભાયાત્રા
શાપુર : વંથલી અને શાપુરમાં જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રા નિકળશે. જેમાં વંથલી ખાતે ભાણાવાવ અને રામમંદિર તેમજ શાપુર ખાતે હિન્દુ ઉત્સવ સમિતી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે.

માણાવદરમાં જન્માષ્ટમી નિમિત્તે પર્જન્ય યજ્ઞનું આયોજન
માણાવદરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આ વર્ષે વરસાદ ખેંચાતા વરુણદેવને રીઝવવા માટે ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે તા. 30 ને સોમવારે જન્માષ્ટમીના દિવસે પર્જન્ય યજ્ઞનું આયોજન કરાયું છે.

વેરાવળ તાલુકાના સુપાસીમાં શોભાયાત્રા નિકળશે
વેરાવળ શહેરમાં ગોવર્ધનનાથજી હવેલીમાં આ વર્ષે મટકીફોડ નહીં યોજાય. અને જન્માષ્ટમીની સાદાઇથી ઉજવણી થશે. જ્યારે તાલુકાના સુપાસીમાં જન્માષ્ટમીની શોભાયાત્રા નિકળશે.

અન્ય સમાચારો પણ છે...