ગિરનારની લીલી પરિક્રમા:તંત્રના વાંકે સ્ટ્રીટ લાઇટ નથી એટલે દિવસે જ પરિક્રમા થશે, સવારે 8 વાગે ગેટ બંધ થતા ઇન્દ્રભારતી બાપુએ દરમિયાનગીરી કરી

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મધરાતે મૂર્હુત કરી વિધિવત્ પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો - Divya Bhaskar
મધરાતે મૂર્હુત કરી વિધિવત્ પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો
  • એકાદશીની રાત્રે ફક્ત મુહૂર્ત થયા બાદ લોકો 4 કલાકે પરિક્રમા માર્ગ પર જઇ શક્યા : પ્રથમ દિવસે 35 હજાર ભાવિકો પરિક્રમા માર્ગ પર પ્રવેશ્યા

ગત રાત્રે પરીક્રમાનો વિધીવત રીતે પ્રારંભ થયા બાદ સંતો અને બીજા ભાવિકો પણ જંગલમાં પ્રવેશ્યા છે. પણ આજે સવારે 4 વાગ્યાથી ભાવિકોને જંગલમાં પ્રવેશ અપાયા બાદ 8 વાગ્યે પ્રવેશ રોકી દેવાયો હતો. જોકે, બાદમાં મહંત ઇન્દ્રભારતીજીની દરમિયાનગીરીથી ફરીથી યાત્રાળુઓને પ્રવેશવા દીધા હતા. દરમ્યાન અત્યાર સુધીમાં 35 હજાર ભાવિકો પરિક્રમામાં પ્રવેશી ચૂક્યાનો અંદાજ છે. આગામી પૂનમ સુધી ભાવીકો ફક્ત દિવસેજ પરિક્રમા કરી શકશે. આ વખતે નિર્ણયના અભાવે જંગલમાં રસ્તા કે સ્ટ્રીટલાઇટની વ્યવસ્થા થઇ શકી નથી એટલે કોઇને રાત્રે પરિક્રમા માર્ગ પર પ્રવેશવા નથી દેવાતું. તમામને ફરજિયાતપણે સાંજ સુધીમાં બોરદેવી ગેઇટ સુધી આવી જવું પડે છે.

દિવસે પ્રવેશ
દિવસે પ્રવેશ

.ગઇકાલે રાત્રે રૂપાયતન ગેઇટ ખાતે પરિક્રમા વિધીવત પ્રારંભનું મુહૂર્ત કરી દેવાયું હતું. આ તકે મહંત ઇન્દ્રભારતીજી, મહંત હરિગીરીજી, મેયર ધીરુભાઇ ગોહેલ સહિતના આગેવાનો ઉપસ્થિત હતા. જોકે, ત્યારબાદ જંગલમાં સ્ટ્રીટલાઇટની વ્યવસ્થા નથી અને રોડ પણ નથી બન્યા આથી વ્હેલી સવારે 4 વાગ્યેજ ભાવિકોને જંગલમાં પ્રવેશ અપાયો હતો. અને 8 વાગ્યે બંધ પણ કરી દેવાયો હતો. રાત્રે કોઇ જંગલમાં પ્રવેશ્યું નહોતું. જોકે, 8 વાગ્યે પ્રવેશ બંધ કરાયા બાદ આશરે સાડા ત્રણ હજાર ભાવિકો જમા થતાં ભારે વિરોધ ઉઠ્યો હતો.

આખરે મહંત ઇન્દ્રભારતીજીની દરમિયાનગીરીથી પોલીસે આ ભાવિકોને જંગલમાં પ્રવેશ આપ્યો હતો. જોકે, બાદમાં ગેટ બંધ કરી દેવાયો હતો. આગામી પૂનમ સુધી આજ રીતે સવારે 4 થી 8 સુધીજ લોકોને જંગલમાં પ્રવેશવા દેવાશે. અને તેઓએ સાંજ સુધીમાં બોરદેવી ગેટથી પરત આવી જવાનું રહેશે. છેલ્લી ઘડીએ લાઇટની વ્યવસ્થા થઇ શકી ન હોવાથી આમ કરવું પડ્યું છે. દરમ્યાન આવતીકાલ તા. 16 નવે.ના રોજ પરિક્રમા માટે અત્યારથીજ ભવનાથમાં 5 હજાર ભાવિકો વાટ જોતા બેસી ગયા છે.

મુખ્ય ધાર્મિક સ્થળોએ પ્રસાદની વ્યવસ્થા
ગીરનારની પરિક્રમામાં માર્ગ પર ઠેરઠેર અન્નક્ષેત્રો-ઉતારા હોય છે. આથી લોકોને ભોજનની કે રાતવાસો કરવામાં તકલીફ પડતી હોતી નથી. પણ આ વખતે તંત્રની આડોડાઇને કારણે ફક્ત ઝીણાબાવાની મઢી, સરકડિયા હનુમાન, માળવેલા અને બોરદેવીમાંજ ભાવિકો માટે પ્રસાદની વ્યવસ્થા કરાઇ છે. જોકે, તેઓ પાસે પણ રાશનનો જથ્થો મર્યાદિત જ છે. લોકો જાતે રાંધી શકે એ માટે રાશનની દુકાનો પણ નથી. આથી લોકોએ સાથેજ પોતાની સાથે નાસ્તો કે ભોજન લઇને જવું પડે એવી સ્થિતી છે.

માત્ર રૂપાયતનથી જ પ્રવેશ
દર વખતે પરિક્રમાર્થીઓ રૂપાયતન ઉપરાંત જાંબુડી, રામનાથ જેવા રસ્તેથી પણ પરિક્રમામાં પ્રવેશતા હોય છે. પણ આ વખતે માત્ર રૂપાયતન ગેટથીજ પ્રવેશ આપાય છે. અને ભવનાથમાં બોરદેવી ગેટથી બહાર નીકળવાનું હોય છે.

ભવનાથમાં પાણીની બોટલના 40 રૂપિયા
પરિક્રમા માર્ગ પર પ્રવેશ બંધીથી નાના-મોટા ધંધાર્થીઓ કે નાસ્તાના સ્ટોલ, અન્નક્ષેત્રોની વ્યવસ્થા થઇ નથી. આથી લોકોએ ભવનાથથી પાણી સુદ્ધાં સાથે લઇ જવું પડે છે. પરિણામે ભવનાથમાં પાણીની એક બોટલના 40 રૂપિયા સુધી વસુલાયા છે.

પોલીસે ખોયા-પાયા ટીમ બનાવી
પરિક્રમામાં અનેક લોકો વીખૂટા પડી જવાના બનાવો બને છે. આથી ભવનાથ પોલીસે આ માટે ખોયા-પાયા ટીમ બનાવી છે. જે અંતર્ગત દેવગઢ બારિયાના દીપકકુમાર ઘનશ્યામભાઇ બારૈયા (ઉ. 13) વર્ષના વિખૂટા પડી ગયેલા બાળકનું પરીવારજનો સાથે મિલન કરાવ્યું હતું.

વન્યપ્રાણીઓ માર્ગથી નજીકજ વિહરે છે
દર વખતે વનવિભાગ પરિક્રમા શરૂ થવાના થોડા દિવસ પહેલાં સિંહ જેવા વન્યપ્રાણીઓને પરિક્રમા માર્ગથી દૂર દોરી જ જતું હોય છે. પણ આ વખતે વનવિભાગને એવો સમયજ મળ્યો નથી. આથી લોકોએ ફરજિયાત દિવસેજ પરિક્રમા કરવાની રહે છે.

અન્ય સમાચારો પણ છે...