મતદાનના બહિષ્કારની ચીમકી:રાત્રે 12 વાગ્યે દુકાન બંધ કરાવવાનું કોઇ જાહેરનામું નથી અધિક કલેક્ટર

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વાસ્તવિક રીતે પોલીસ પ્રજાનો મિત્ર ક્યારે બનશે? ગુંડાઓ પોલીસથી ક્યારે ડરવા લાગશે?

રાત્રે 12 વાગ્યે દુકાનો બંધ કરાવી દેવાનું કોઇ જાહેરનામું અમારા ધ્યાનમાં નથી. એમ જૂનાગઢના અધિક કલેક્ટર એલ. બી. બાંભણીયાએ જણાવ્યું છે. તાજેતરમાંજ માંગનાથ રોડ અને બાદમાં ભવનાથ વિસ્તારમાં ગુંડા તત્વોએ માથું ઉંચકતાં વેપારીઓએ મતદાનના બહિષ્કારની ચીમકી આપવી પડી અને તેના અહેવાલો દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયા બાદ પોલીસ હરકતમાં આવી છે. પણ એમાંય ગુંડાઓ જ્યારે કાળો કેર વર્તાવતા હોય એવા સમયે તેમને જઇને પકડવાને બદલે રાત્રે 12 વાગ્યે દુકાનો બંધ કરાવવા અને લોકોને ઘેર મોકલી દેવાના મામલે ફરી વિવાદાસ્પદ અને જૂની ઘરેડ પ્રમાણેનુંજ પગલું ભર્યું છે.

પોલીસની ગાડી જોઇને પણ ગુંડાઓ ત્યાંથી પોબારા ભણી જવા જોઇએ. તેને બદલે તેઓને જાણેકે, કોઇ જ ડર ન હોય એવી સ્થિતી છે. પોલીસના હાથમાં આવી ગયા પછીની પ્રક્રિયા માટે કદાચ તેઓ ટેવાયેલા હોય છે. આ વાતનો તેઓ ફાયદો ઉઠાવે છે. કદાચ કોઇ રાજકીય ઓળખાણવાળો નીકળ્યો તો? એવી ભિતી પણ પોલીસ કર્મચારીઓમાં હોય તો નવાઇ નહીં. અને ખરેખર ક્યારેક તેમને છોડી પણ દેવા પડતા હશે. આસામાજીકોની વધુ પડતી બૂમ ઉઠે એટલે સીધા 12 વાગ્યે દુકાનો બંધ કરાવવા અને લોકોને કાઢવા નીકળી પડવાની એકમાત્ર પ્રવૃત્તિ નજરે ચઢે. પણ જાહેરમાં છાકટા થતા લોકોને સ્થળ પર જ પકડી લેવાની પ્રવૃત્તિ થતી હોય તો તેઓને ડર રહે ખરો.

વેટરનરી તબીબોને સરાજાહેર ફટકારનાર ટોળકીના ફક્ત સગીરોને આરોપી બનાવાયા. એને બદલે માર ખાતા તબીબોને છોડાવતી વખતેજ બીજા લોકોને ઝાલી લઇને પૂરી દીધા હોત તો લોકોમાં એવો સ્પષ્ટ મેસેજ જાત કે પોલીસ ખરા અર્થમાં પ્રજાની મિત્ર છે. આ તો સગીરો સામેનો કેસ છે. આટલી હદે તોફાન કરનારા કોણ હોઇ શકે એની સંબંધીતોને ખબરજ નથી શું?

માંગનાથ રોડ પર દુકાનોમાંથી મફતમાં કપડાં અને માલસામાન લૂંટી જનાર શખ્સ શું રાત્રે 12 વાગ્યા પછી આવતો હતો? કદાચ એને ખબર હતી કે, આ લોકો વધીને ફરીયાદ કરશે. અને પોલીસ ફોન કરીને બોલાવશે એટલે પોતે જઇને હાજર થઇ જશે. બીજા દિવસે સીધો જેલમાં. બજારમાં આતંક ફેલાવવા બદલ પસ્તાવો થાય એવી કોઇજ સજા તેને મળવાની નથી. અને પછી જામીન પણ મળી જશે. ખરેખર એ જામીન પર જ બહાર આવ્યો હતો ને?

એક વાત ધ્યાને લેવા જેવી છે. જૂનાગઢ શહેરમાં ભૂતકાળમાં જ્યારે પણ વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે ગુંડાઓએ બજારોમાં આતંક ફેલાવ્યા જ છે. એનો અર્થ શું હોઇ શકે? શું તેઓ રાજકીય વગદારોને પોતાની ઉપયોગીતા દેખાડવા માંગતા હોય છે? ગુંડાગીરીને નાબૂદ કરવાના મામલે શહેરમાં મુખ્ય બંને રાજકીય પક્ષો પણ નિષ્ફળજ રહ્યા છે. કોઇએ અધિકારીના ટેબલ પર હાથ પછાડીને નથી કહ્યું, ફલાણો ગુંડો ફરીવાર ગુનો ન કરવો જોઇએ. એને બદલે પકડ્યો હોય તો છોડવા માટે અધીકારીના ટેબલ પર હાથ પછાડ્યા હશે ખરા. એક વાત સ્પષ્ટ છે.

દુનિયાનો એકપણ ગુંડો નાનામાં નાની કેડરના પોલીસ કર્મચારીથી મોટો તો નથીજ. તેને ડર લાગવો જ જોઇએ. અને પ્રજાને અહેસાસ થવો જોઇએ કે, પોલીસ ગુંડાનેજ પકડશે. માત્ર લાયસન્સ કે પીયુસી ચેક કરીને બેફામ બનેલા નબીરાઓને કાબુમાં નહીં લઇ શકાય.

હજુ ગયા વર્ષેજ ફૂટ પેટ્રોલીંગમાં નીકળેલા ખુદ પીએસઆઇને કાર ચલાવતા નબીરાએ ઠોકર મારતાં તેમનું મોત નીપજ્યું હતું. આવા નબીરાઓની પ્રવૃત્તિઓ સામાન્ય લોકોમાં તો ડરજ ફેલાવે છે. ગુંડાઓ જેલમાં હશે તો આવા નબીરાઓમાં પણ આપોઆપ ડર બેસી જશે. રાજ્યસભાના પૂર્વ સાંસદ સ્વ. સૂર્યકાંતભાઇ આચાર્ય અને સ્વ. નારસીંહભાઇ પઢિયારે દાયકાઓ પહેલાં ગુંડાગીરી નાબૂદ કરવા માટે સમિતી રચવી પડી હતી. એવા દિવસો હવે ફરીથી ન આવે તો સારું.

અન્ય સમાચારો પણ છે...