• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Theft Of 6 Sandalwood Trees From The Land Of Agriculture Department In Laldori Area Of Girnar Forest, Forest Department Started Investigation

ચંદનના વૃક્ષોના ચોર કોણ?:ગિરનાર જંગલના લાલદોરી વિસ્તારમાં એગ્રિકલ્ચર વિભાગની જમીનમાંથી ચંદનના 6 વૃક્ષોની ચોરી, વન વિભાગે તપાસ શરૂ કરી

જૂનાગઢએક મહિનો પહેલા
કપાયેલ વૃક્ષોનું માપ સાઈઝ લઈ રહેલ વનકર્મી
  • ચંદનના વૃક્ષોની ચોરી પાછળ પરપ્રાંતીય ટોળકી હોવાની આશંકા
  • 6 વૃક્ષોની અંદાજિત કિંમત બેથી અઢી લાખ રૂપિયા

જૂનાગઢમાં ગિરનાર જંગલના વિસ્‍તારમાં આશ્રમ પાસે આવેલ લાલધોરી તરીકે ઓળખાતી એગ્રીકલ્ચરની જગ્યામાં રહેલા ઘટાટોપ ચંદનના વૃક્ષો પૈકીના અમુક વૃક્ષોને ગત મોડીરાત્રીના અજાણ્‍યા તસ્‍કરો કાપીને લઇ જતા ચકચાર જાગી છે. તસ્‍કરો બે થી અઢી લાખની કિંમતના 6 જેટલા ચંદનના વૃક્ષો કાપી ગયાનું સામે આવ્‍યુ છે. સવારે આ ઘટનાની જાણ થતા વન વિભાગનો સ્‍ટાફ સ્‍થળ પર દોડી આવી ચંદનના વૃક્ષો ચોરતી ટોળકીને પકડી પાડવા કામે લાગી છે. હાલ આ મામલે અજાણ્યા તસ્‍કરો સામે ફરિયાદ નોંધવાની તજવીવ ચાલી રહી છે.

આ વૃક્ષો કપાયા અંગે જાણવા મળેલ વિગતોનુસાર જૂનાગઢ નજીક આવેલ ગિરનાર જંગલમાં લાલધોરી વિસ્‍તાર અને પુનિત આશ્રમની વચ્‍ચે આવેલ શેઢાની રેવન્યુની એગ્રિકલ્ચરની જમીનમાંથી ચંદનના ઘટાટોપ વૃક્ષો ઉભા છે. તે પૈકીના 6 જેટલા ચંદનના વૃક્ષો ગતરાત્રી દરમ્‍યાન અજાણ્‍યા તસ્‍કરો કાપીને લઇ ગયા છે. કપાયેલ ચંદનના વૃક્ષો 4 ફૂટના ઘેરાવા વાળા હોવાથી તેમાં ચંદનની સુવાસ બેસી ગઇ હતી. તે વૃક્ષો કપાયાની જાણ સવારે તે વિસ્‍તારમાંથી પસાર થઇ રહેલા રાહદારીઓને થતા તુરંત જ વન વિભાગને જાણ કરી હતી. જેના પગલે વન વિભાગના અઘિકારી સહિતનો સ્‍ટાફ સ્‍થળ પર દોડી આવી તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો. ચંદનના વૃક્ષો કાપવાની ઘટનામાં સામેલ શખ્‍સો અને તેની ટોળકીને પકડી પાડી કાયદેસરની કડક કાર્યવાહી તંત્ર કરે તેવી લોકોમાંથી માંગ ઉઠી છે.

આ ઘટના અંગે દક્ષિણ ડુંગર રેન્જના આરએફઓ એ.વી.ભાલીયાએ જણાવેલ કે, લાલઘોરી વિસ્‍તારમાંથી 6 જેટલા ચંદનના વૃક્ષો કપાયા છે. જે કોણ અને કંઇ રીતે કાપી ગયુ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અંદાજ મુજબ ચંદનના ઝાડની ઉંમર આશરે 20 થી 22 વર્ષની હોવાની સંભાવના છે. આ ઝાડનો ઘેરાવો 65 થી 70 સેમીનો છે. આમ, આ ચંદનના ઝાડની અંદાજીત બે થી અઢી લાખની કિંમત છે.

અત્રે નોંઘનીય છે કે, ચંદનના ઝાડ કાપવાની ઘટનાને પરપ્રાંતીય હિન્દી ભાષી ટોળકીએ અંજામ આપ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. કારણ કે, ચંદનના ઝાડ કાપવાની ઘટના મોટાભાગે પરપ્રાંતીય શખ્‍સોની ટોળકી જ અંજામ આપતી હોય છે. અગાઉ જૂનાગઢમાં આઇજી ઓફિસ નજીકથી પણ ચંદનનું ઝાડ કાપી ગયા હતા. આ સિવાય પણ ચંદનના વૃક્ષો કાપીને લઇ જવાની ઘટના બની છે.

અન્ય સમાચારો પણ છે...