ચોરી:66 KVમાંથી 30 હજારના વાયરની ચોરી, 2 ઝડપાયા

જૂનાગઢએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભેંસાણ ચોકડીએ ઉભા હતા, વધુ ચોરી કરે તે પહેલા એલસીબીએ દબોચ્યા

જૂનાગઢના 66 કેવીમાંથી 30,000ની કિંમતના વાયરની ચોરી કરનાર 2 શખ્સને એલસીબીએ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગેની મળતી વિગત મુજબ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ગુનેગારોને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ સૂચના આપી હતી. બાદમાં એલસીબીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન શહેરના 66 કેવી વિસ્તારમાંથી વાયરના 6 ડીંડલા કિમત રૂપિયા 30,000ના ચોરાયા હોવાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

આ અંગે એલસીબીએ તપાસ હાથ ધરતા આ ચોરી પંચેશ્વરના સુનીલ કાળુભાઇ સોલંકી અને ભારત મિલના ઢોરા પાસેના સંજય નાનજી સોલંકીએ કરી હોવાનું અને હાલ બન્ને આરોપી ભેંસાણ ચોકડીએ ઓટો રિક્ષા લઇને ઉભા હોય અન્ય ચોરીની પેરવી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

બાદમાં એલસીબી પીઆઇ જે.એચ. સિંધવ, પીએસઆઇ જે.જે.ગઢવી અને સ્ટાફે જઇ બન્ને આરોપીને રિક્ષા નંબર જીજે 6વી 4288 સાથે ઝડપી લીધા હતા. એલસીબીએ બન્ને પાસેથી મોબાઇલ ફોન, વાયર, ઓટોરિક્ષા તેમજ રોકડા 500 મળી કુલ 33,625ના મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...