ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર શહેરમાં તસ્કરોનો તરખાટ વધી રહ્યો હોય તેમ વધુ એક દુકાનને નિશાન બનાવી ચોરી કરી છે. શહેરના સાસણ રોડ પર આવેલી ટાયરની દુકાન પાસેથી 100 જેટલા ટાયરો ચોરી કરી ગયા છે. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેને લઈ પોલીસે તસ્કરોને શોધવા તપાસ હાથ ધરી છે.
છેલ્લા થોડા દિવસોથી તાલાલા શહેરમાં તસ્કરોનો તરખાટ વધી રહ્યો હોવાથી નગરજનો અસુરક્ષિત હોવાની લાગણી અનુભવી રહ્યા છે. જેમાં શહેરના નરસિંહ ટેકરીના ભરચક રહેણાંક વિસ્તારમાં રહેતા વેપારી પરીવારને ત્યાં લુંટ કરવાનાં ઈરાદે ઘરમાં ઘુસી બે મહીલાને છરી મારી ગંભીર ઈજા કરી પલાયન થઈ ગયેલ બુકાનીધારી શખ્સને પોલીસ હજી પકડી શકી નથી. ત્યાં શહેરના મુખ્ય માર્ગ સાસણ રોડ ઉપર પેટ્રોલ પંપ પાસે આવેલ ગુરૂકૃપા વેલ્કેનાઈઝીંગની દુકાન પાસે રાખેલ જુના 100 ટાયરોનો જથ્થો કિ.રૂ.60 હજારના તસ્કરો ચોરી જતાં શહેરભરમાં ચકચાર પ્રસરી ગઈ છે.
આ ટાયરની દુકાનમાં આગળ લગાવેલ સીસીટીવી કેમેરામાં સમગ્ર ચોરીની ઘટના કેદ થઈ છે. સીસીટીવીના ફૂટેજમાં જોવા મળતા મુજબ મોઢે તથા શરીર ઉપર કપડું ઢાંકેલ એક તથા અન્ય એક શખ્સ મધ્યરાત્રીના પોણા ત્રણ વાગ્યા આસપાસ બોલેરો ગાડી લઇ દુકાન પાસે આવી દુકાનના આગળના ભાગે રાખેલ 100 જેટલા જુના ટાયરનો જથ્થો ગાડીમાં ભરી રહ્યાનું જોવા મળે છે. બાદમાં નજરમાં ન આવે તેવી રીતે પલાયન થઈ ગયા હતા. આ ચોરી અંગે વેપારી કાનાભાઈ ભાણાભાઈ કેશવાલાએ લેખિત ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે, તાલાલા શહેરમાં થોડા દિવસ પહેલા સ્ટેશન રોડ તથા સાસણ રોડ ઉપર મિનરવા વિસ્તારમાંથી તસ્કરો જુના ટાયર ચોરી ગયા હતા. ત્યારબાદ પેટ્રોલ પંપ પાસેથી ગત રાત્રે વધુ એક ચોરીની ઘટના બનતા શહેરમાં વધી રહેલ તસ્કરોના તરખાટથી લોકો અસુરક્ષાની લાગણી અનુભવી રહ્યા છે. સાથે સાથે તસ્કરો પોલીસને પણ પડકાર ફેંકી રહ્યા હોવા છતા પોલીસ તેઓને પકડી શકી નથી. ત્યારે આ બાબતે ઠોશ કાર્યવાહી કરવાની જરૂર હોવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.