ગીરમાં વસવાટ કરતા સિંહની પજવણીના વીડિયો અવારનવાર સામે આવતા રહે છે. ત્યારે સાસણમાં ત્રણ સિંહોની પજવણી કરતા કેટલાક વીડિયો પંદર દિવસ પહેલાં વાઈરલ થયા બાદ વનવિભાગ દ્વારા ત્રણ યુવકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુનો નોંધી ત્રણેય યુવકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
પંદર દિવસ પહેલાં વીડિયો વાઈરલ થયા હતા
સાસણ ગીર વિસ્તારમાં પાંચથી છ વ્યક્તિ સિંહની પાછળ કાર દોડાવી પજવણી કરતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. વાઈરલ વીડિયોમાં બે કાર સિંહની પાછળ ચાલી રહી છે. જેમાં એક કાર પર એક યુવક બેસેલો નજરે પડે છે. કારની આગળ ત્રણ સિંહ પણ જોવા મળી રહ્યા છે. રાત્રિના સમયે સિંહની પાછળ કાર ચલાવી અને લાઈટ ફેંકી પજવણી કરવામાં આવી હતી.
વાઈરલ વીડિયો બાદ વનવિભાગ ત્રણ લોકો સુધી પહોંચ્યું
સાસણમાં સિંહની પજવણીના વીડિયો વાઈરલ થયા બાદ વનવિભાગની કામગીરી પર સવાલો ઊઠ્યા હતા. વનવિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરી વાઈરલ વીડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ હાથ ધરી હતી અને ત્રણ વ્યકિતઓની ઓળખ કરી પૂછપરછ માટે બોલાવ્યા હતા. ત્રણેય સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
કોની કોની સામે કાર્યવાહી કરવામાં આવી?
સાસણ ગીરમાં સિંહની પજવણી માટે વનવિભાગ દ્વારા જયપાલસિંહ ચૌહાણ, રઘુરાજસિંહ ચૌહાણ અને રાહુલ રાજપુરોહિત નામના શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ લોકો રાજસ્થાનના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
શું કહી રહ્યા છે સીસીએફ?
ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ આરાધના શાહુએ જણાવ્યું હતું કે, સિંહ પજવણીના જે વીડિયો સામે આવ્યા હતા તેમાં છ લોકો સામેલ હતા. જેમાંથી સિંહની પજવણી કરનાર ત્રણ શખ્સોને ડિટેઈન કરવામાં આવ્યા છે. તેઓની વિરુદ્ધ બે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર રીતે જંગલમાં પ્રવેશવા મુદ્દે દંડ વસૂલવામાં આવ્યો છે અને સિંહની પાછળ કાર દોડાવવા બાબતે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.