જૂનાગઢના વિસાવદર તાલુકાના એક ગામમાં રહેતી સગીર વયની વિદ્યાર્થિનીને ફસાવી એક નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે સગીરાની સાથે અભ્યાસ કરતા કાયદાથી સંઘર્ષિત કિશોર અને તેના મિત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિધર્મી યુવકે વીડિયો કોલ કરી પીડિતાને કપડા કાઢવાનું કહ્યું હતું. પીડિતાએ યુવકની વાત માનતા નરાધમે રેકોર્ડીંગ કરી લીધું હતું અને બાદમાં આ રેકોર્ડીંગ વાઈરલ કરવાની ધમકી આપી સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાના પગલે સ્થાનિક લોકો આજે વિસાવદર હોસ્પિટલ પર પહોંચ્યા હતા અને આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે.
ભોગ બનનાર સગીરાની તેની સાથે અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીએ આરોપી અલ્તાફ હોથી સાથે મિત્રતા કરાવી હતી. આરોપી અલ્તાફ હોથી અને સગીરા સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં રહેતા હતા. અલ્તાફ હોથીએ સગીરાના ભોળપણનો લાભ ઉઠાવી વીડિયો કોલ કરી કપડા કાઢવાનું કહ્યું હતું. સગીરાએ પણ અલ્તાફના કહ્યા મુજબ કરતા અલ્તાફે વીડિયો રેકોર્ડીંગ કરી લીધું હતું.
સગીરાને બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચર્યું
સગીરાની સાથે અભ્યાસ કરતો કાયદાથી સંઘર્ષિક કિશોર અને અલ્તાફ હોથી ગત શનિવારે સગીરાના ઘર પર પહોંચ્યા હતા. સગીરાને ઘરની બહાર બોલાવી નજીકના વાડામાં લઈ ગયા હતા. જ્યાં સગીરાનો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી અલ્તાફ હોથીએ દુષ્કર્મ આચર્યું હતું.
સગીરા ઘરેથી આત્મહત્યા કરવા નીકળી હતી
દુષ્કર્મની ઘટના બાદ સગીરા પોતાના ઘરેથી મરવા માટે નીકળી ગઈ હતી. સવારે સગીરાના માતા-પિતાને દીકરી ઘરે નહીં હોવાની જાણ થતા જ શોધખોળ શરૂ કરી હતી. ત્યારે પીડિતા જંગલ વિસ્તારમાંથી મળી આવી હતી. પરિવારજનોએ સાંત્વના આપતા સગીરાએ પોતાની આપવીતી જણાવી હતી. ત્યારબાદ પરિવારજનો પીડિતાને વિસાવદર હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલ દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે દુષ્કર્મ અને પોક્સોનો ગુનો નોંધ્યો
સગીરા પર દુષ્કર્મ મામલે વિસાવદર પોલીસ સ્ટેશનમાં કાયદાથી સંઘર્ષિત કિશોર અને અલ્તાફ હોથી સામે ગુનો નોંધી રાઉન્ડઅપ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વિધર્મીઓ દ્વારા સગીરા પર દુષ્કર્મ થયાની જાણ થતા વિસાવદરની વિવિધ સંસ્થાના આગેવાનો વિસાવદર પોલીસને રજૂઆત કરવા પહોંચ્યા હતા. આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.