મેંદરડાના એક યુવાનને એક પરિણીતાએ ફોન કરી વિસાવદર તાલુકાના દાદર ગામે બોલાવ્યો હતો. બાદમાં તેેને ગોંધી રાખી તેના ખીસ્સામાં કોન્ડોમ મૂકી વીડિયો ઉતારી તે વાયરલ કરવા સાથે દુષ્કર્મના ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી આપી 30 લાખ માંગ્યા હતા. જોકે, આ અંગે યુવાનના ભાઇએ પોલીસને જાણ કરતાં પોલીસે દાદર દોડી જઇ યુવાનને છોડાવ્યો હતો.
મેંદરડાના દીપકભાઇ કાળુભાઇ ખુંટ (ઉ. 41) નામના યુવાને થોડા વખત પહેલાં વિસાવદર તાલુકાના દાદર ગામની સંજના નામની પરિણીતાને સોશ્યલ મીડિયા પર ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. જે સંજનાએ સ્વીકાર્યા બાદ બંને વચ્ચે મેસેજોથી વાતચીત થતી હતી. આ દરમ્યાન સંજના અને તેના પતિ સચિને દીપકભાઇ પાસેથી રૂપિયા પડાવવાનો કારસો ઘડ્યો હતો.
જે મુજબ, તા. 17 મે 2022 ના રોજ સંજનાએ તેને પોતાને ઘેર બોલાવ્યો હતો. દીપક એ દિવસે રાત્રે 10 વાગ્યે સંજનાને ઘેર પહોંચ્યો. અને ઘરમાં જતાંજ સચીન અને તેના પિતા દીપકભાઇ પર લાકડીથી તૂટી પડ્યા હતા. અને તેને એક રૂમમાં ગોંધી રાખી તેની પાસે કોન્ડોમ સહિતની વસ્તુઓ મૂકી તેનો વિડીયો ઉતાર્યો અને બાદમાં તેની પાસેથી 30 લાખ માંગ્યા.
જો રૂપિયા ન આપે તો તેને દુષ્કર્મના ગુનામાં ફીટ કરી દેવાની અને ફોટા તેમજ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી પણ આપી હતી. રકઝકના અંતે તેઓ 10 લાખ પર આવ્યા હતા. આરોપીઓએ દીપકભાઇના ભાઇ પાસે ફોન પણ કરાવ્યો હતો. આથી દીપકભાઇના ભાઇએ પોલીસને જાણ કરતાં પોલીસ દાદર ગામે પહોંચી અને દીપકભાઇને છોડાવી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સાથે સચીન અને તેની પત્ની સંજનાની અટક કરી હતી. અને સચીન, સંજના, ગોવિંદભાઇ અને સચીનની માતા સામે ગુનો નોંધ્યો હતો. બનાવની તપાસ મહિલા પીએસઆઇ એસ. આઇ. સુમરા ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.