પરિવારજનો સાથે મિલન:લેણદારોના ત્રાસથી 2 સંતાનોને મૂકી અમદાવાદનો યુવક ઘરેથી ભાગ્યો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગિર સોમનાથ બાદ જૂનાગઢ આવતા પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

લેણદારોના ત્રાસથી કંટાળી 2 સંતાનોને મૂકી અમદાવાદનો યુવક ઘરેથી ભાગ્યો હતો. સોમનાથ બાદ આ યુવક જૂનાગઢ આવતા પોલીસે તેનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના રેલવે સ્ટેશન નજીક એક યુવક ચિંતામાં આંટામારતો મળી આવ્યો હતો. ત્યારે કમાન્ડો વનરાજસિંહે તેને ડિવાયએસપી કચેરીએ લાવ્યા હતા. બાદમાં ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં બી ડિવીઝન પીઆઇ આર.એસ.પટેલ, સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ ચુડાસમા, પીએસઓ એએસઆઇ દેવાયતભાઇ વગેરેએ તેને વિશ્વાસમાં લઇ પૂછપરછ કરી હતી.

આ પૂછપરછમાં જાણવા મળ્યું કે તેનું નામ અમિત યોગેશ ગજ્જર છે અને અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહે છે. પોતાને સંતાનમાં એક દિકરો અને દિકરી હોવાનું તેમજ પોતાના પર દેવું વધી જતા અને લેણદારો શાંતિ લેવા દેતા ન હોય ઘર છોડીને ભાગ્યો હતો. બાદમાં ચાલતા ચાલતા તો ક્યાંક વાહનમાં જૂનાગઢ ભવનાથ અને ગિર સોમનાથમાં 3 મહિના ફરતો રહ્યો હતો. બાદમાં ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ રાણીપના પીઆઇ કુલદિપ ગઢવી, પીએસઆઇ એસ.એસ.ચૌધરી મારફતે તપાસ કરાવી તેમના ભાઇ ભાવિક ગજ્જર સાથે વાત કરાવી હતી. બાદમાં અમિત ગજ્જરના પિતા તેમજ પરિવારજનો અમદાવાદ પોલીસ સાથે આવી પહોંચતા જૂનાગઢ પોલીસે યુવકનું તેના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...