નિર્ણય:યાર્ડમાં ખેડૂતો રાત્રિ રોકાણ કરી શકે તે માટે હોસ્ટેલ બનશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25મીએ સી.આર.પાટીલ જૂનાગઢમાં, કૃષિ ભવનનું કરશે ભૂમિ પૂજન
  • ખેડૂત મહા શિબીરમાં ખેડૂતોને 2 લાખનું વિમા કવચ અપાશે, પ્રિમીયમ યાર્ડ ભરશે

25 ડિસેમ્બરે યાર્ડમાં કૃષિ ભવનનું ભૂમિ પૂજન કરવામાં આવશે. આ તકે ખેડૂત મહા શિબીર પણ યોજાશે તેમજ ખેડૂતોને 2 લાખનું વિમા કવચ પણ અપાશે. આ અંગે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે, 25 ડિસેમ્બરે આપણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇનો જન્મ દિવસ છે. આ પ્રસંગે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં નવનિર્મિત કૃષિ ભવનનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવશે. આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કૃષિની આવક બમણી કરવાના સંકલ્પને સફળ બનાવવા ખેડૂત મહા શિબીર યોજાશે જેમાં કૃષિ તજજ્ઞો માહિતી આપશે.

આ સાથે યાર્ડના ખેડૂતોને પ્રધાનમંત્રી જીવન જ્યોત વિમા યોજના હેઠળ 2 લાખનું વિમા કવચ પણ અપાશે, જેના પ્રિમીયમની રકમ યાર્ડ ભરશે. આ ઉપરાંત આયુષ્યમાન કાર્ડ, ઇ- શ્રમ કાર્ડ કાઢી આપવામાં આવશે. જ્યારે કૃષિ ભવનમાં ખેડૂતો રાત્રિ રોકાણ કરી શકે તેવી સુવિધા ઉભી કરાશે તેમજ ખેડૂતોના શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ પણ બનાવાશે.

આ પ્રસંગે મંત્રી અરવિંદભાઇ રૈયાણી, મંત્રી દેવાભાઇ માલમ, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડા, સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ મંત્રી જવાહરભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા, મેયર ધીરૂભાઇ ગોહેલ, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા વગેરેની ઉપસ્થિતી રહેશે. અત્રે નોંધનીય છે કે, જૂનાગઢમા માર્કેટીંગ યાર્ડ શરૂ થયા બાદ દૂર દૂરથી ખેડૂતો જણસ લઇને આવતા હોય છે. ત્યારે કયારેક રાતવાસો કરવા માટે ભારે અગવડ વેઠવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...