મતદાન:વિધાનસભા ચૂંટણી ફરજમાં રહેલા કર્મીઓ બેલેટ પેપરથી કરશે મતદાન

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 વિધાનસભા બેઠક પર 22 અને 23 નવેમ્બરે થશે મતદાન

જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે 1 ડિસેમ્બરે મતદાન થશે. આ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ખાસ કરીને જ્યારે મતદાનનો દિવસ હોય ત્યારે ચૂંટણી ફરજમાં રહેલા કર્મીઓ સ્વાભાવિક જ મતદાન કરી ન શકે. ત્યારે આવા ચૂંટણી ફરજના કર્મીઓ માટે બેલેટ પેપર દ્વારા ચૂંટણી પહેલા જ મતદાન કરાવાય છે.

જૂનાગઢ જિલ્લામાં આવતી 5 વિધાન સભા માટે જિલ્લા કલેકટર રચિત રાજ, નિવાસી અધિક કલેકટર એલ.બી. બાંભણિયા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ ચૌહાણના માર્ગદર્શનમાં બેલેટ પેપર દ્વારા મતદાન કરાવવાની તૈયારી કરી લેવાઇ છે. ત્યારે ચૂંટણી ફરજ પરના અધિકારી ખાસ કરીને 22 અને 23 નવેમ્બર એમ 2 દિવસ સુધી બેલેટ પેપર દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન કરવાનો સમય સવારના 8 થી લઇને સાંજના 5 સુધીનો રહેશે.

કેટલા કર્મીઓનો સમાવેશ ? - જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા માટે 1,438 પ્રિસાઇડીંગ ઓફિસર, 1,438 પોલીંગ ઓફિસર-1, અને 396 પોલીંગ ઓફિસર ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત પણ અનેક કર્મીઓ જેવાકે ચૂંટણી ફરજના વાહનોના ડ્રાઇવરો, પોલીસ કર્મીઓ, કલીનર, હેલ્પર, હોમગાર્ડ વગેરેનો સમાવેશ થાય છે જે તમામ બેલેટ પેપરથી મતદાન કરશે.

કઇ વિધાનસભા બેઠક પર ક્યારે અને ક્યાં મતદાન ?
(1)જૂનાગઢ : પોલીસ સ્ટાફ 22 નવેમ્બરે પ્રાંત ઓફિસે, ચૂંટણી ફરજનો સ્ટાફ 23 નવેમ્બરે ઘોડાસરા કોલેજ ખાતે બેલેટ પેપરથી મતદાન કરશે.

(2) વિસાવદર : 22 નવેમ્બરે પોલીંગ સ્ટાફ માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતે, 23 નવેમ્બરે પોલીસ સ્ટાફ પ્રાંત ઓફિસે બેલેટ પેપરથી મતદાન કરશે. (3) માણાવદર : 22 નવેમ્બરે પોલીંગ સ્ટાફ એટલે કે મતદાન મથક પરની ફરજનો સ્ટાફ શ્રી દેવપ્રસાદ શૈક્ષણિક સંકુલ, સ્વામિનારાયણ ગુરૂકુલ પાસે, વંથલી ખાતે બેલેટ પેપરથી મતદાન કરશે. (4) કેશોદ : 22 નવેમ્બરે પોલીંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ પાનદેવ સમાજ, કેશોદ ખાતે બેલેટ પેપરથી મતદાન કરશે. (5) માંગરોળ : 22 નવેમ્બરના પોલીંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ શારદાગ્રામ કોલેજ, માંગરોળ ખાતે બેલેટ પેપરથી મતદાન કરશે.

અન્ય સમાચારો પણ છે...