તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

17 ડેમની સ્થિતી હજુ નાજુક:જિલ્લાનાં 14 ડેમમાં અડધા ફૂટ સુધી પાણી ઘટ્યું ,ગિરનારના જંગલમાં વરસાદ થાય તો ડેમ ભરાય

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
હિરણ-2 માં 4 માસ ચાલે એટલું પાણી આવ્યું - Divya Bhaskar
હિરણ-2 માં 4 માસ ચાલે એટલું પાણી આવ્યું
  • માત્ર 3 ડેમમાં સામાન્ય પાણી આવ્યું : સિંચાઇ માટે પાણી અપાતું નથી
  • જ્યાં ડેમ નથી ત્યાં 50 ટકાથી 85 ટકા વરસાદ
  • 12 દિવસમાં 13 ટકા વધુ વરસાદ

જૂનાગઢ જિલ્લામાં 17 ડેમ આવેલા છે. આ ડેમની સ્થિત હાલ નાજુક છે. જિલ્લામાં છેલ્લા 12 દિવસમાં 13.23 વરસાદ પડ્યો છે,પરંતુ જિલ્લાનાં માત્ર 3 જ ડેમમાં પાણીની આવક થઇ છે. અન્ય 14 ડેમમાં અડધા ફૂટ જેટલું પાણી ઘટયું છે.

જૂનાગઢ જિલ્લામાં મંગળવારની રાત્રીથી બુધવાર સુધી વરસાદ થયો હતો. આ વરસાદ માંગરોળ, માળિયા, કેશોદ,મેંદરડા પંથકમાં વધુ થયો હતો. જૂનાગઢ, વંથલી, વિસાવદર અને ભેંસાણ પંથકમાં 2 થી 4 ઇંચ વરસાદ થયો હતો. માંગરોળ અને માળિયા પંથકની નદીમાં ઘોડાપુર આવ્યાં હતાં. નદીનાં પાણીનો સંગ્રહ થયો નહી. ગિરનાર જંગલમાંથી નિકળતી નદીઓ ઉપર ડેમ આવેલા છે ત્યાં સારો વરસાદ થયો ન હતો,જેના કારણે હજુ પણ જિલ્લાનાં 17 ડેમની સ્થિતી નાજુક છે.

જૂનાગઢ જિલ્લામાંથી હજુ જળસંકટ દુર થયું નથી. જૂનાગઢ જિલ્લાનાં 17 ડેમ પૈકી 11 ડેમમાં 30 ટકા કરતા ઓછું પાણી છે. જૂનાગઢ જિલ્લામાં બે દિવસ પડેલા વરસાદનો લાભ ડેમને થયો નહી,કારણે ડેમનાં ઉપરનાં વિસ્તારમાં વરસાદ થયો નહી. જૂનાગઢ જિલ્લામાં 22 ઓગસ્ટ 2021નાં 36.72 ટકા વરસાદ હતો. 12 દિવસમાં 13.23 ટકા વરસાદ વધી 49.95 ટકા વરસાદ થયો છે. એટલે કે જિલ્લામાં 13.23 ટકા વરસાદનો વધારો થયો છે. પરંતુ તેની સામે જિલ્લાનાં 17 પૈકી 14 ડેમમાં પાણી ઘટ્યું છે,માત્ર ધ્રાફડ,મધુવંતી, વ્રજમી, બાંટવા ખારો ડેમમાં પાણીની આવક થઇ છે. ગઇકાલે માળિયામાં પડેલા ભારે વરસાદનાં પગલે આ વિસ્તારમાં આવેલા વ્રજમી ડેમમાં 8.20 ફૂટ નવા નીરની આવક થઇ છે. છેલ્લા 12 દિવસમાં 14 ડેમમાં અડધા ફુટ જેટલું પાણી ઘટ્યું છે. ગીરનાર જંગલમાં વરસાદ થાય તો જિલ્લાનાં ડેમ ભરાઇ શકે તેમ છે.

બાષ્પિભવન અને જમીનમાં પાણી ઉતર્યું
જૂનાગઢ સિંચાઇ વિભાગે કહ્યું હતું કે, હાલ પીવા માટે પાણીનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે. પરતું બાષ્પિભવન અને જમીનમાં પાણી ઉતરવાથી પાણીમાં ઘટાડો થયો છે. કોઇ ડેમમાં બે દિવસે તો કોઇ ડેમમાં પાંચ દિવસે પાણીમાં સામાન્ય ઘટાડો થતો હોય છે. ગિરનાર જંગલમાં વરસાદ થાય તો ડેમ ભરાવાની શક્યતા છે.

માળિયા, માણાવદર અને મેંદરડા તાલુકામાં આવેલા ડેમમાં પાણીની આવક થઇ છે. છેલ્લા 12 દિવસમાં માળિયાનાં વ્રજમી ડેમમાં 8 ફૂટ પાણીનીઆવક થઇ છે. જ્યારે મધુવંતી અને બાંટવા ખારો ડેમમાં સામાન્ય આવક થઇ છે.

14 ડેમ માત્ર 4 તાલુકા આવેલા છે
જૂનાગઢ જિલ્લામાં કુલ 17 ડેમ આવેલા છે,જેમાંથી જૂનાગઢ, વિસાવદર, વંથલી અને ભેંસાણમાં 14 ડેમ આવેલા છે. માણાવદર,માળિયા અને મેંદરડામાં એક-એક ડેમ આવેલા છે.

જ્યાં ડેમ નથી ત્યાં 50 ટકાથી 85 ટકા વરસાદ
માત્ર 3 તાલુકામાં 14 ડેમ આવેલા છે. જૂનાગઢમાં 39.78 ટકા, વંથલીમાં 43.94 ટકા, વિસાવદરમાં 41.89 ટકા, ભેંસાણમાં 32.74 ટકા વરસાદ થયો છે. જ્યારે કેશોદમાં 53.40 ટકા, મેંદરડામાં 49.43 ટકા, માંગરોળમાં 85.29 ટકા, માણાવદરમાં 55.79 ટકા અને માળિયામાં 58.58 ટકા વરસાદ થયો છે. જોકે માણાવદર,માળિયા અને મેંદરડામાં 1-1 ડેમ છે. અહીં વરસાદ સારો થતા ડેમમાં પાણીની આવક થઇ છે.

અન્ય સમાચારો પણ છે...