જૂનાગઢના ખલીલપુર રોડ ઉપર એક કારખાનેદારે પોતાના દિકરાના લગ્ન તેમજ પરિવારજનોની બિમારી માટે 4 લોકો પાસેથી કુલ રૂ. 19 લાખ વ્યાજે લીધા હતા. વ્યાજખોરોએ તેમના બેંક ખાતાના 12 ચેક પણ લીધા હતા. પણ કારખાનેદારે તેઓને રૂ. 29 લાખ જેવી રકમ પરત આપવા છત્તાં વ્યાજખોરોએ હજુ 10 થી 15 લાખ આપો પછીજ બધું પૂરું થાય એવી ઉઘરાણી ચાલુ રાખી.
તેઓના ચક્કરમાં ફેક્ટરી અને એક પ્લોટ વેચી નાંખવાનો વારો આવ્યો હતો. આથી તેઓએ ભાગીયું જમીન વાવવા રાખી, પોતાનું ગુજરાન ચલાવવાનો વારો આવ્યો હતો. વ્યાજખોરો તેમણે ઘરે જઈ કોઈ કામ કરવા દેતા નહોતા, કલાકો બેસાડી રાખતા, ઘરના મહિલા સભ્યોને પણ રૂપિયા આપી દેવા દબાણ કરી, બેંકમાં ચેક નાખી, કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદની ધમકી આપતા.
આખરે તેમણે ડિવાયએસપી પ્રદિપસીંહ જાડેજાનો સંપર્ક સાધ્યો. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની સુચનાથી બી ડિવિઝન પીઆઇ એમ. એમ. વાઢેર, સ્ટાફના ધાનીબેન, નીતિનભાઈ, વનરાજસિંહ, મુકેશભાઈ, સહિતની ટીમે વ્યાજખોરોને બોલાવી, વ્યાજ જોઈએ કે જેલ જોઈએ એમ શાનમાં સમજાવતા મોરલા જેવા વ્યાજખોરો સસલા જેવા બની ગયા હતા. અને પોતાને હવે કાંઈ વ્યાજ લેવાનું રહેતું નથી કહી બધા ચેક અને લખાણ પણ આપી દીધું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.