ક્રાઇમ:જૂનાગઢમાં ખંડણી માટે વેપારીનું અપહરણ કરનાર મુખ્ય ત્રણ આરોપી જેલ હવાલે કરાયા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક સામે 21, બીજા સામે 12 ગુના, ત્રીજો મર્ડર, ગે.કા. હથિયારનો આરોપી

ખંડણી માટે વેપારીનું અપહરણ કરનાર મુખ્ય 3 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરાયા છે. આ અંગે મળતી વિગત મુજબ ચિત્તાખાના ચોકના મોબાઇલના વેપારી અફરોજ અહમદભાઇ માલકાણીનું 6 શખ્સોએ અપહરણ કરી 10 લાખની ખંડણી માંગી હતી. બાદમાં ફરિયાદીના ભાઇએ 2 લાખ કરી આપવા છત્તાં 5 લાખની માંગણી કરી પોલીસ ફરિયાદ ન કરવાની શરતે મુક્ત કરેલ હતો. જ્યારે અન્ય એક બનાવમાં ફરિયાદી અબ્દુલકાદરભાઇ હાસાભાઇ ભાટાએ સી ડિવીઝનમાં જણાવ્યું હતું કે, 4 શખ્સોએ 5 લાખની ખંડણી માંગી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

બાદમાં 10,000 આપી છૂટકારો મેળવ્યો હતો. આમ, ખંડણી મામલે સી ડિવીઝનમાં 2 ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન બાતમી મળી કે, ગુનાનો આરોપી મોહસીન ઉર્ફે હોલે હોલે ઢાલરોડ પર આંટામારે છે. ત્યારે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં સી ડિવીઝન પીએસઆઇ જે.જે.ગઢવી અને સ્ટાફે જઇ મોહસીનને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય 2 આરોપી ભાગવાની ફિરાકમાં હોય તેને પણ ઝડપી લીધા હતા. પોલીસે આરોપી મોહસીન ઉર્ફે હોલે હોલે ફિરોજ મલેક પાસેથી 1.30 લાખ રોકડા, 1 લાખનું બુલેટ, 10,000નો મોબાઇલ કબ્જે કર્યો છે.

તેમની સામે 21 ગુના નોંધાયેલા છે. જ્યારે સરફરાઝ ઉર્ફે ડાબરો ગુલામનબી બુખારી પાસેથી રોકડા 12,500, મોટર સાઇકલ 50,000 અને મોબાઇલ કિંમત 20,000નો કબ્જે કર્યો છે. તેની સામે 12 ગુના નોંધાયા છે. જ્યારે ફિરોજ ઉર્ફે લાલો કાસમભાઇ હાલા પાસેથી રોકડા 3000 અને મોબાઇલ 10000નો કબ્જે કર્યો છે. તેની સામે મર્ડર, ગેરકાયદેસર હથિયારના ગુના નોંધાયેલા છે. ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલ રિમાન્ડ પૂર્ણ થતા ત્રણેય આરોપીને જેલ હવાલે કરાયા છે.

આરોપીના ભોગ બનેલા અહિં જાણ કરે
કોઇપણ શહેરીજન આ આરોપીના ભોગ બન્યા હોય તો કોઇપણ જાતનો ડર રાખ્યા વિના એલસીબી પીઆઇ એચ.આઇ. ભાટીનો 9727722488 તેમજ સી ડિવીઝન પીએસઆઇ જે. જે. ગઢવીનો 8000021002 નંબર પર સંપર્ક કરે.

અન્ય સમાચારો પણ છે...