તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:કોરોના મહામારીના કારણે રાજ્યના ફીશ એક્સપોર્ટર્સની હાલત કફોડી બની, ચીનમાં જ 35 કરોડ કરતા વધુ રકમનું પેમેન્ટ અટવાયું

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેરાવળના ફીશ એક્ષપોર્ટ યુનીટમાંથી નિકાસ માટે ભરાઇ રહેલ કન્‍ટેનર - Divya Bhaskar
વેરાવળના ફીશ એક્ષપોર્ટ યુનીટમાંથી નિકાસ માટે ભરાઇ રહેલ કન્‍ટેનર
  • કેંદ્ર સરકારની MEIS સ્કીમની રકમ વહેલી તકે રીલીઝ કરવા માગ
  • નવી સ્કીમના દર જાહેર કરવાની માગ કરવામા આવી

કોરોના મહામારીના કારણે ફીશના નિકાસકારોની હાલત કફોડી બની ગઇ છે. કારણ કે, નિકાસ માટે કેન્‍દ્ર સરકારની સ્‍કીમ અંતર્ગત મળવાપાત્ર રીફંડની 200 કરોડની રકમ મળી નથી તો ચીનમાં નિકાસ કરાયેલ ફીશના માલનું 35 કરોડથી વઘુનું પેમેન્‍ટ અટવાયુ છે. આ ઉપરાંત કેન્‍દ્ર સરકારની ફીશ નિકાસકારો માટેની નવી સ્‍કીમના દરો જાહેર ન થયા હોય તેમજ પોરબંદરમાં કાર્યરત લેબોરેટરીમાં યુરોપ, ચીન અને અમેરીકા દેશોમાં પ્રી એક્ષપોર્ટ ટેકસ્‍ટ કરવાની પરવાનગી આપવા સહિતના પ્રશ્નોને લઇ સી ફુડ એક્ષપોર્ટ એસોસીએશન (ગુજરાત)નું પ્રતિનિઘિ મંડળએ મુખ્‍યમંત્રીને મુલાકાત લઇ રજુઆત કરી રાજયના સી ફુડ નિકાસકારો માટે આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગણી કરી હતી.

વેરાવળ બંદરની તસ્‍વીર
વેરાવળ બંદરની તસ્‍વીર

સી ફુડ એક્ષપોર્ટર એસો. ગુજરાત રીજનના પ્રમુખ પીયૂષભાઇ ફોફંડી, સંસ્‍થાના રાષ્‍ટ્રીય પ્રમુખ જગદીશભાઇ ફોંફડી સહિતના પ્રતિનિઘિ મંડળએ મુખ્‍યમંત્રીને મળી આપેલ લેખિત રજૂઆતમાં જણાવેલ કે, ગુજરાતનો દરીયાકાંઠો ભારતના વિકાસનો દ્વાર બની રહ્યો છે. સમગ્ર ભારતમાંથી સૌથી વધારે દરિયાકાંઠો ગુજરાત ધરાવે છે. જેમાં પણ રાજયના 80 ટકા થી વઘુ સી ફુડ એક્ષપોર્ટ યુનિત વેરાવળ (સોમનાથ)ના કાંઠે કાર્યરત છે. સને. 2018-19 માં સમગ્ર ભારતમાંથી 13,76,835 ટન ફીશની નિકાસ થતા 46,821.59 કરોડનું વિદેશી હુંડીયામણ દેશને મત્‍સ્‍યોઘોગ થકી મળેલ હતુ. જેમાં સૌથી વઘુ ફીશની નિકાસમાં સમગ્ર ભારતમાં ગુજરાત પ્રથમ ક્રમે હતુ. પરંતુ ફેબ્રુઆરી 2020 થી કોવીડની મહામારી સામે ગુજરાત ઝઝુમી રહ્યું છે. તો આ મહામારીની સીધી અસર મત્સ્યોદ્યોગ અને માછીમારી ઉપર પડી હોવાથી હાલ મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યો છે.

ચીનમાં ફસાયેલા નાણાં પરત મળે તે માટે સરકાર આદેશ કરે

ત્‍યારે રાજયના ફ્રોઝન ફીશના નિકાસકારોએ ચીનમાં મોકલેલ ફીશના માલનું પેમેન્ટ સમયસર ન આવ્‍યુ હોવાને કારણે હાલત કફોડી બની ગઇ છે. અમારી જાણકારી મુજબ હાલ સી ફૂડઝના નિકાસકારોના લગભગ 500 લાખ ડોલર (આશરે રૂ.36.50 કરોડ) જેવી રકમ ફસાઈ છે. જેના કારણે નિકાસકારો બેંકના હપ્તા ભરવામાં મુશ્‍કેલી અનુભવવાની સાથે મચ્છીના સપ્લાયરો તથા બોટ માલીકો પાસેથી ખરીદેલ મચ્છીના માલનું પેમેન્ટ પણ કરી શકતા નથી. આ પરિસ્‍થ‍િતિના કારણે નવો માલ ખરીદી તેને નિકાસ કરવો કે કેમ તે પણ મોટી દુવિધા નિકાસકારોને સતાવી રહી છે. રાજયમાં નિકાસકારોના કુલ પ્રોડકશનમાંથી 70 % ફીશની ચીનમાં નિકાસ થાય છે. ત્‍યારે આવી રીતે પેમેન્ટ અટકાયેલ રહેશે તો ભવિષ્યમાં નિકાસ કરવાની ક્ષમતામાં સદંતર ઘટાડો થશે. આ બાબતે કેન્દ્ર સરકારનું ઘ્‍યાન દોરી ચીનમાં રહેલ ભારતના રાજદૂત થકી નિકાસકારોનુ પેમેન્‍ટ છુટ થાય તે માટે કાર્યવાહી કરાવવા આદેશ કરે તેવી માંગણી છે.

બંદરમાં માછીમારી કરી લવાયેલ મચ્‍છીનો જથ્‍થો
બંદરમાં માછીમારી કરી લવાયેલ મચ્‍છીનો જથ્‍થો

આ ઉપરાં કેન્દ્ર સરકારની MEIS SCHEME ના ગત વર્ષમાં એપ્રિલથી ડીસેમ્બર 2020 સુધીની રાજયના મચ્છી નિકાસકારોની લગભગ રૂ.200 કરોડ જેવી લેણી રકમ કેન્દ્રીય નાણાકીય વિભાગમાંથી પાસ થઇ નથી. જેના લીધે પણ નિકાસકારોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડી રહેલ હોવાથી વ્‍હેલીતકે આ રકમ છુટી થાય તે માટે રજુઆત કરવા માંગણી છે. જાન્યુઆરી 2021 થી નિકાસકારોને મદદરૂપી RoDTEP SCHEME કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં લાવી છે. પરંતુ તેના દરો વિષે હજુ કોઈ માહિતી નિકાસકારો પાસે નથી. આ સ્‍કીમના દરો કેન્દ્ર સરકાર સત્‍વરે જાહેર કરે તે જરૂરી છે. દેશમાં મરીન સેકટરને બીજા સેક્ટર કરતા આ RODTEP SCHEME માં વધારે સારા દરો મળે તેવી કેન્દ્ર સરકારમાં રજુવાત કરવામાં આવે. કારણ કે, બીજા સેકટરની સરખામણીમાં મરીન સેકટરમાં ડીઝલનો ઉપયોગ અને ખર્ચ વધારે હોય છે.

પોરબંદરમાં પ્રિ-એક્સપોર્ટર ટેસ્ટ માટે પરવાનગી આપવા માગ

નિકાસ કર્યા પહેલા નિકાસકારોએ પોતાની માછલીનું PRE-EXPORT TEST કરાવવાનું હોય છે. જેના માટે પોરબંદરમાં કેન્‍દ્ર સરકારની સંસ્‍થા MPEDA ની લેબોરેટરી કાર્યરત છે. જે NABL તથા EIC દ્વારા પ્રમાણીત પણ છે. પણ આ લેબોરેટરીને યુરોપ, અમેરિકા, અને ચીનમાં નિકાસ કરવામાં આવતી માછલીનું PRE-EXPORT TEST કરવા માટેની પરવાનગી હજુ સુધી અપાયેલ નથી. જયારે ગુજરાતમાંથી નિકાસ થતી મોટાભાગની માછલી યુરોપ, અમેરિકા, અને ખાસ કરીને ચીનમાં જ થાય છે. જેથી પોરબંદરમાં કાર્યરત લેબોરેટરી ને યુરોપ, અમેરિકા, અને ચીનમાં PRE-EXPORT TEST કરવાની પરવાનગી મળે તે બાબતે ઘટતી કાર્યવાહી આપની કક્ષાએથી કરવામાં આવે તે જરૂરી છે.

એક્ષપોર્ટ યુનીટમાં મચ્‍છીના પેકીંગનું ચાલી રહેલ કામ
એક્ષપોર્ટ યુનીટમાં મચ્‍છીના પેકીંગનું ચાલી રહેલ કામ

એક્સપોર્ટર માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માગ

અંતમાં ઉપરોકત જણાવેલ તમામ પ્રશ્નોને લીઘે આર્થિક મુશ્‍કેલી અનુભવતા રાજયના માછલીના નિકાસકારોને આવનારી ઓગષ્‍ટથી શરૂ થતી નવી સીઝનમાં વ્યવસાય કરવો કે કેમ તેની ચિંતા સતાવી રહી છે. જો પરિસ્થિતિ આવીને આવી જ રહી તો નિકાસકારો નવી સીઝન માટે મજુરો (લેબર) બાંધી શકશે નહી અને પાછલી સીઝનના માછીમારોના બાકી રહેતા પેમેન્ટ કરી શકશે નહી. આની સીધી અસર સમગ્ર મત્‍સ્‍યોઘોગ ઇન્ડસ્ટ્રીઝ પર થવાની સાથે ઉઘોગ પડી ભાંગવાની ભિતી સર્જાશે. મત્‍સ્‍યઘોગ સેક્ટર સૌથી વધારે રોજગારી આપનાર સેકટર છે. ત્‍યારે આ પરિસ્થિતિને લીધે અસંખ્‍ય લોકો બેરોજગાર થઇ જશે. જેથી રાજય સરકાર કાં તો ગુજરાતના નિકાસકારો માટે કોઈ આર્થિક પેકેજની જાહેરાત કરે અથવા કેન્‍દ્ર સરકાર અને ચીનમાં અટવાયેલ રકમ છુટી કરાવી આપે તેવી માંગણી છે. આ પ્રતિનિઘિ મંડળમાં સંસ્‍થાના ઉપપ્રમુખ કરશનભાઇ સલેટ, સેક્રેટરી નરેશભાઇ વણીક, કાનજીભાઇ જુંગી, કેતનભાઇ સુયાણી, સિદીકભાઇ સહિતના નિકાસ કરો સાથે રહી રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...