તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમનાથ દર્શનાર્થે:રાજ્ય સરકરાએ કોરોનાની ત્રીજી લહેર સામે લડવા આંકલન સાથે તૈયારી શરૂ કરી દીધી : મુખ્યમંત્રી

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી રૂપાણીએ ખાતમુહૂર્ત કર્યાની તસ્વીર - Divya Bhaskar
મુખ્યમંત્રી રૂપાણીએ ખાતમુહૂર્ત કર્યાની તસ્વીર
  • વેરાવળ સોમનાથના 16 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
  • ધૈર્યરાજ જેવી બીમારીમાં સપડાયેલા ગીર સોમનાથના બાળક વિવાનને રૂ.10 લાખની સહાય આપવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી લોકોને મદદ કરવા અપીલ કરી

સોમનાથની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક કાર્યક્રમમાં રૂ.16 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા જણાવેલ કે, ગુજરાત સરકારે કોરોનાની ત્રીજી લહેરથી બચાવવા આંકલન કરી તૈયારી શરૂ કરી દીધી છે.

સોમનાથ સાનિધ્યે રામ મંદિરના ઓડીટોરિયમમાં યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવેલ કે, ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી પ્રાર્થના કરવા આવેલ છું. આ તકે જીલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથેની બેઠકમાં ત્રીજી લહેર માટે જિલ્લાના તંત્ર દ્વારા કરાયેલ આયોજનની વિગતો મેળવેલ હતી. જેમાં વેરાવળની સરકારી કોવીડ હોસ્પિટલમાં ૧૦૦ બેડની જગ્યાએ ૨૦૦ બેડની વ્યવસ્થા કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જીલ્લાના આલીદર ગામના વિવાનને ગંભીર બીમારીમાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂા.૧૦ લાખની સહાય જાહેર કરી દરેક લોકો મદદ કરે તેવી અપીલ મુખ્યમંત્રીએ કરી હતી.

આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારના રૂા.૧૬ કરોડના વિકાસ કામોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરી જણાવેલ કે, ગુજરાતમાં ૮૫ ટકા ઘરે ઘરે પીવાના પાણી માટે નળ કનેકશન આપી સરકારે જનસુખાકારીની ઉત્તમ કામગીરી કરી હવે ઉત્તમથી સર્વોત્તમ તરફ પ્રયાણ કરી ૧૦૦ ટકા નળ કનેક્શનની સુવિધા આપીને નલ સે જલ યોજનાને સાર્થક કરાશે. ગુજરાતમાં ડિસેમ્બર ૨૦૨૨ પહેલા આ સિદ્ધિ હાંસલ કરાશે અને તે માટે દર મહિને એક લાખ નવા નળ કનેક્શન અપાય છે. ગુજરાત સરકારે કોરોના સંક્રમણને કાબુમાં લેવા બીજી લ્હેરમાં રાત દિવસ કરેલ કામગીરી જણાવી હતી.

વધુમાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવેલ કે, ગુજરાતમાં કોરોનાની બીજી લહેર અને પછી તુરંત તાઉતે વાવાઝોડુ આવ્યું પરંતુ સરકારે પૂરતું પૂર્વ આયોજન કર્યું અને આગચેતીને લીધે જાનહાનિ નહીવત થઇ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ બીજા દિવસે ગુજરાત આવીને રૂપિયા એક હજાર કરોડની મદદ કરી છે. તાઉતે વાવાઝોડાની નુકસાનીમાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે રાહત-બચાવ પુનઃસ્થાપન કામગીરી કરી છે .માછીમારો ખેડૂતો ની સાથે સરકાર ઉભી છે તેમ જણાવીને ગુજરાતના માછીમારોને પ્રથમ વખત ૧૦પ કરોડનુ પેકેજ આપવામાં આવ્યું છે. જ્યાં માનવી ત્યાં સુવિધા અને વિવાદ નહીં પણ સંવાદ એ રાજ્ય સરકારનો વિકાસ મંત્ર છે. શહેરોમાં તમામ માળખાગત સુવિધા માટે નગરપાલિકાઓને પૂરતું ફંડ ફાળવવામાં આવ્યું છે. ગામડાઓમાં પણ સુવિધા શહેરની અને આત્મા ગામડાંનો એવો નિર્ધાર કરીને વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રીએ વેરાવળ પાટણ નગરપાલિકા વિસ્તારના શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે રૂા.પ.૬૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૫૩ એમ.એલ.ડી કેપેસીટીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત રૂા.૧૦.૨૬ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલ નગરપાલિકા વિસ્તારમાં જુદી-જુદી જગ્યાએ સ્ટ્રોમ વોટર ડ્રેઇન અને પંદર જેટલા સ્થળોએ ફુટપાથ સહિત વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સાથેના પ્રોજેકટનુ ખાતમુહુત મળી કુલ રૂા.૧૬ કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહુર્ત કર્યું હતું. પાણીના પ્રોજેક્ટ થકી વેરાવળની બે લાખની વસ્તીને લાભ મળશે અને આગામી ૨૫ વર્ષની વસ્તીને ધ્યાને રાખી આયોજન કરીને પ્લાન બનાવવામાં આવેલ છે.

આ તકે વેરાવળ પાલિકાનાં પ્રમુખ પિયુષભાઇ ફોફંડીએ શહેરમાં રાજ્ય સરકારની સહાયથી ચાલી રહેલા અંદાજે રૂા.૫૦ કરોડના કામોની રૂપરેખા આપી હતી જયારે આભારવિધિ સંચાલન ચીફ ઓફિસર જતીનભાઇ મહેતાએ કરી હતી.આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઇ ચુડાસમા ,પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાઝા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઇ પરમાર, જૂનાગઢના રેન્જ આઇ.જી મનીન્દર સિંઘ પવાર, ઇન્ચાર્જ કલેકટર ડી.ડી.ઓ રવીન્દ્ર ખતાલે, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજસીભાઇ જોટવા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ સાથે બેઠક

ગીર સોમનાથ જિલ્લાનાં પ્રવાસે આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલું આયોજન અને રસીકરણની કામગીરીની વિગતો જાણી રાજ્ય સરકારની માર્ગદર્શિકા પ્રમાણે આયોજન પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપ્યુ હતું. વેરાવળની કોવીડ હોસ્પિટલમાં ૧૦૦ બેડની જગ્યાએ ૨૦૦ બેડની વ્યવસ્થા કરવા પણ આયોજન હાથ ધરવામાં ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠક બાદ મુખ્યમંત્રીએ પત્રકારોને જણાવેલ કે, ગીર સોમનાથ જીલ્લાના આલીદર ગામના બાળક વિવાન ની ગંભીર બીમારીમાં રાજ્ય સરકાર મદદ કરશે અને મુખ્યમંત્રી રીલીફ ફંડમાંથી રૂા.૧૦ લાખની રકમ ફાળવવામાં આવશે તેમ જણાવી ધૈર્યરાજ બાળક ને જે રીતે સર્વ સમાજના લોકોએ મદદ કરેલ તે રીતે વિવાન ને પણ દરેક લોકો મદદ કરે તેવી મુખ્યમંત્રી રૂપાણીએ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...