જૂનાગઢમાં ફોટોગ્રાફીના વ્યવસાય સાથએ સંકળાયેલા સોલંકી પરિવારમાં પુત્રવધુ અને નવજાત બાળકીના મોત નિપજતા પરિવાર પર આભ ફાટ્યું હતું. જો કે, મૃતક પરિણીતાની વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢવાની ઈચ્છા હોય પરિવારજનોએ પૂર્ણ કરી હતી અને બેન્ડ વાજા સાથે પરિણીતાની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.
હ્રદયરોગના હુમલાથી પરિણીતાનું મોત નિપજ્યુ
જૂનાગઢમાં ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા મયુરભાઈ સોલંકીના પુત્ર શ્રીનાથના લગ્ન મોનિકાબેન સાથે થયા હતા. શ્રીનાથભાઈના ઘરે તેમજ પરિવારમાં પ્રથમ બાળક અવતરવાનું હોવાથી આખા પિવારમાં ખુશી હતી. પરિવારે બાળકને વધાવવાની તૈયારીઓ પણ કરી લીધી હતી. પરંતુ, કુદરતને કંઈક અલગ મંજૂર હતું.
મોનિકાબેનને ડિલિવરી સમયે હાર્ટ એટેક આવતા તેઓનું મૃત્યું થયું હતું. ડૉક્ટરના કહેવા પ્રમાણે મોનિકાબેનના મૃત્યું સમયે તેમના પેટમાં રહેલું બાળક જીવિત હતું. આથી તાત્કાલિક સિઝેરિયન કરવામાં આવ્યું હતું. જોકે, સિઝેરિયનથી જન્મેલી બાળકીએ પણ થોડા જ સમયમાં અંતિમ શ્વાસ લીધા હતા.
એક સાથે બબ્બે મોતથી સોલંકી પરિવાર પર આભ ફાટ્યું
એક સાથે બબ્બે મોતથી પરિવાર શોકમા ગરકાવ થઈ ગયો હતો. જોકે, પરિવારે મક્કમ મન કરીને બંનેની અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢવાનું નક્કી કર્યું હતું. આ રીતે જૂનાગઢમા વાજતે ગાજતે માતા અને દીકરી એમ બંનેની અંતિમયાત્રા નીકળી હતી.પુત્રવધૂના અગ્નિ સંસ્કાર અને બાળકીની દફન વિધિ બાદ હાજર તમામ લોકો ચોધાર આંસુએ રડ્યાં હતા. સોલંકી પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આક્રંદ વચ્ચે પણ પરિવારે પોતાની પુત્રવધૂની અંતિમ ઇચ્છા પૂરી કરી હતી.
મોનિકાબેનની આંખોનું દાન કરવામાં આવ્યું
બીજી તરફ મોનિકાબેનની આંખોનું દાન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, મોનિકાબેનના બેસણા વખતે પરિવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. આ રીતે સોલંકી પરિવારે દુઃખની ઘડીમાં પણ સમાજને નવી રાહ ચીંધી છે. પરિવારે રક્તદાન કેમ્પમાં કુલ 37 બોટલ રક્ત એકત્રિત કર્યું હતું. આ રક્ત જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે. અહીં ગૌરવની વાત એ છે કે ખુદ મોનિકાબેનના પતિ શ્રીનાથભાઇએ પણ રક્તદાન કરીને પોતાની પત્નીને અનોખી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.